માંગરોળ તાલુકાના રહીજ ગામેથી દ્વારકાધીશના પાવન દર્શનાર્થે નીકળેલી ૨૦મી વાર્ષિક પદયાત્રા
આજે પોરબંદર શહેરના પ્રવેશ દ્વાર ઇન્દિરા નગર પાસે વહેલી પરોઢે પહોંચી હતી. ત્યારે પોરબંદર સ્થિત ૐ સાંઈ ટેકા પરબ ખાતે પોરબંદર જિલ્લા કોળી સમાજ દ્વારા પદયાત્રીઓનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

દર વર્ષેની જેમ આ વર્ષે પણ રહીજના “જય દ્વારકાધીશ પદયાત્રા મંડળ” દ્વારા દ્વારકાના પરમ ભક્ત માલદેભાઈ જીણાભાઈ રામના માર્ગદર્શન હેઠળ રહીજથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રીઓમાં જગતના નાથ શ્રી દ્વારકાધીશના દર્શનની તીવ્ર અભિલાષા સાથે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની અનોખી ઝલક જોવા મળી હતી.
આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિસરાતી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો તેમજ માનવતા અને સમરસતાનો સંદેશ સમાજમાં વહેતો કરવાનો છે. લગભગ ૨૦ વર્ષ પહેલા દેસાબાપા રામ પરિવાર દ્વારા શરૂ કરાયેલ આ પદયાત્રા આજે ૨૦મી વર્ષગાંઠ સુધી પહોંચી છે. આ યાત્રામાં ૧૭ તાલુકા અને ૯૦ ગામમાંથી આશરે ૭૦૦ જેટલા શ્રીકૃષ્ણ ભક્તો સ્વયંભૂ જોડાયા છે. પદયાત્રીઓ સાથે સ્વખર્ચે ૩૦ જેટલા ટ્રેક્ટરો જોડાયા છે, જ્યારે ૯૦ જેટલા સ્વયંસેવકો પદયાત્રીઓ માટે ભોજન, ચા- પાણી તથા અન્ય વ્યવસ્થાઓ સંભાળી રહ્યા છે.
પદયાત્રા દ્વારકાધીશની પુરાકદ મૂર્તિ, અખંડ દીપજ્યોતિ, લાઉડ સ્પીકર સિસ્ટમ અને સુશોભિત રથ સાથે આગળ વધી રહી છે. આ યાત્રાનું નેતૃત્વ માલદેભાઈ જીણાભાઈ રામ કરી રહ્યા છે. તેમની સાથે ભીખાભાઈ રામ, કાનાભાઈ જમાદાર, માલદેભાઈ પીઠીયા, જગમાલ ભાઈ ચોચા, રામભાઈ રામ, અરજનભાઈ રામ, હરદાસભાઈ ચોચા, ભીમાભાઈ રામ, દિનેશભાઈ નાદાણીયા સહિતના સહયોગીઓ જોડાયા છે.
યાત્રાનો પ્રથમ રાત્રિ રોકાણ ગોરસર મોચા ખાતે શ્રી નાગબાઈ મંદિરે, બીજું ઓડદર શ્રી રંગબાઈ મંદિરે, ત્રીજું પાલખડા શ્રી હીરજી આશ્રમ (રાણછોડભાઈ જોશી), ચોથું ભોગાત શ્રી આહીર સમાજ ખાતે અને અંતિમ પાંચમું રાત્રિ રોકાણ દ્વારકામાં અખિલ ભારતીય સમાજ ખાતે રાખવામાં આવ્યું છે. દ્વારકાધીશના દર્શન બાદ રાત્રિ કીર્તન-ભજનની રમઝટ પણ યોજાશે.
પોરબંદર ખાતે ૐ સાંઈ ટેકા પરબમાં પદયાત્રાના સ્વાગત પ્રસંગે પ્રમુખ રામસીભાઈ બામણીયા, પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રામભાઈ બગીયા, રાજીવ લીલાવતી બામણીયા ફાઉન્ડેશનના પ્રમુખ નારણભાઈ બામણીયા, છાંયા પ્લોટ ઘેડીયા કોળી સેવા સમાજના પ્રમુખ દેવાયતભાઈ વાઢિયા, ન્યૂ પોરબંદર નવરંગ ગરબી મંડળના પ્રમુખ લાખાભાઈ મોકરીયા, કોળી ઠાકોર મંડળના પ્રમુખ અરજન ભાઈ આંત્રોલીયા, સમાજરત્ન ડૉ. ઈશ્વરભાઈ ભરડા, સમાજશ્રેષ્ઠી મહેશભાઈ ભૂવા, સંજયભાઈ સોલંકી, વરજંગભાઈ વાસણ, શ્રીમતી જયાબેન વાસણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ૐ સાંઈ ટેકા પરબના પ્રમુખ રામસીભાઈ બામણીયા તથા શ્રીમતી લાખીબેન બામણીયાના માર્ગદર્શન હેઠળ સમાજના શૈક્ષણિક, સામાજિક, આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ જયુબેલી કોળી સમાજના સમાજશ્રેષ્ઠી મહેશભાઈ ભૂવાને પદયાત્રા મંડળના પ્રમુખ માલદેભાઈ રામ દ્વારા ઉષ્મા વસ્ત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર ઇન્દિરા નગર સ્થિત ૐ સાંઈ ટેકા પરબમાં સોમનાથથી દ્વારકા જતા પદયાત્રીઓ માટે નિશુલ્ક ભોજન અને નિવાસની વ્યવસ્થા ઉપલબ્ધ છે. સાથે જ અહીં જી.પી.એસ. સી., યુ.પી.એસ.સી. તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિશુલ્ક લાઇબ્રેરીનો લાભ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. ૩૫ લાખ રૂપિયાના ખર્ચે સ્થાપિત તબીબી સાધનો – વોકર, પલંગ, કાંખઘોડી, ટોયલેટ ખુરશી, સક્સન મશીન વગેરે જરૂરિયાત મંદોને નિઃશુલ્ક આપવામાં આવે છે.
પદયાત્રાના મોભી માલદેભાઈ રામે ૐ સાંઈ બાબાને હાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા અને પદયાત્રીઓને માર્ગમાં સહારો મળે તે હેતુથી લાકડી અર્પણ કરવામાં આવી હતી. દરેક પદયાત્રીએ ૐ સાંઈ બાબાના દર્શન કરી ચોકલેટ-પીપરમિન્ટ, ચા-કોફી પ્રસાદરૂપે મેળવી ધન્યતા અનુભવી હતી.
પાંચ દિવસીય આ પદયાત્રા તા.૨૫/૧૨/૨૦૨૪ના રોજ સાંજે શ્રી દ્વારકાધીશના દર્શન સાથે પૂર્ણ થશે.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

