ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી એસઓજીએ રૂા.૪૬.૨૦ લાખની કિંમતની એમ્બરગ્રીસ સાથે અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાં રહેતા સુમિત શ્રીકાંત ઘુલમ અને વસ્ત્રાલમાં રહેતા મયુર મહેન્દ્ર ભાવસારને ઝડપી લીધા હતા. સપ્લાયર તરીકે ગોમતીપુરનાં આરીફનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે.

એસઓજીનાં પીઆઇ એસ.એમ.જાડેજા અને પીએસઆઇ એમ.વી.જાડેજાએ બાતમીના આધારે ગ્રીન લેન્ડ ચોકડી પાસેના ગ્રીન લેન્ડ ગ્લોક્સી બિલ્ડિંગ પાસેથી બંને આરોપીઓને અટકાયતમાં લઇ તેમની પાસે રહેલી થેલીની તલાશી લેતા ૪૬૨ ગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. તે સાથે જ ફોરેન્સિક નિષ્ણાંત અધિકારીને બોલાવ્યા હતા. પણ તેણે કીટનાં અભાવે અભિપ્રાય આપ્યો ન હતો. ફોરેસ્ટ વિભાગની ટીમે એમ્બરગ્રીસ હોવાની શક્યતા દર્શાવતા પોલીસે તેને બીએનએસની કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મામલો ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો છે. કારણ કે પોલીસ આવા કેસની તપાસ કરી શકતી નથી. ફોરેસ્ટ વિભાગે કબ્જે એમ્બરગ્રીસને દહેરાદુનની લેબોરેટરીમાં મોકલી આપવા તજવીજ શરૂ કરી છે. જ્યાંથી બે-ત્રણ મહિના બાદ રિપોર્ટ આવ્યે નિયમ મુજબ ગુનો દાખલ કરશે.
બંને આરોપીઓએ એસ.ટી.માં આવ્યાની કેફીયત આપી છે. એસઓજીને એમ પણ કહ્યું છે કે આરીફે તેમને રાજકોટ એમ્બરગ્રીસ વેંચવા મોકલ્યા હતા. બદલામાં રૂા.૧૦ હજાર ટ્રીપનાં આપવાનો હતો. જોકે એસઓજીને બંને આરોપીઓ કોઇ ચોક્કસ ગ્રાહકને એમ્બરગ્રીસ આપવા આવ્યાની શંકા છે. જોકે આરોપીઓએ ગ્રાહકની શોધમાં હોવાનું રટણ કર્યું છે.

