એન.એફ.એસ.એ. (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) હેઠળ રાજકોટ જિલ્લામાં રેશનકાર્ડ ધરાવતા 12.23 લાખ નાગરિકોમાંથી વધેલી મુદતમાં પણ હજુ 74,645 નાગરિકોનું ઈ.કેવાયસી (ઈલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) થયું નથી જે અન્વયે આ નામો અને રેશનકાર્ડ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ અંગે આજે પી.એમ.પષણ યોજનાની મોનીટરીંગ કમિટિની યોજાયેલી બેઠકમાં જિલ્લા પૂરવઠા અધિકારી અજય ઝાપડાએ જણાવ્યું કે રાશનકાર્ડમાં ફરજીયાત ઈ-કેવાયસીની કામગીરી જિલ્લાના કૂલ કાર્ડની સંખ્યા 305572 અને જનસંખ્યા 12,32,212 છે જેમાં 11,28,831 કાર્ડધારક નાગરિકોનું ઈ.કેવાયસી થયેલ છે. બાકીનાને નોટિસ આપીને નામ કમી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં કૂલ 714 વાજબી ભાવની દુકાનો છે જે મારફત 33,809 રેશનકાર્ડ ધારકોને વન નેશન વન કાર્ડની યોજનાનો લાભ અપાયો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હજુ પણ ગરીબો મફત અનાજ ઉપર નિર્ભર છે અને ગત મહિને આ લાભાર્થીઓને 2385 ટન ઘંઉ અને 3530 ટન ચોખાનું મફત વિતરણ કરાયું હતું.

