ભાવનગર જિલ્લાના રાજગઢ ગામે આજની તારીખે એકપણ એસ.ટી.બસની સગવડ ન હોય સ્થાનિક ગ્રામજનોને દૂર દૂર સુધી જવાનો વખત આવ્યો છે. આ બાબતે રહિશોની રજુઆત પ્રત્યે તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોય લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.

બોટાદ એસ.ટી.ડેપોની એક બસ બોટાદથી પાટણા રૃટ પર ચાલે છે. તે બસ ભાવનગર તાલુકાના રાજગઢ ગામ સુધી લંબાવવામાં આવે તો એસ.ટી. તંત્રવાહકોએ ખાસ જરૃરીયાતમંદ વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જરોને ખુબ સારી સેવા પુુરી પાડી ગણાશે. બીજુ પાટણાથી રાજગઢ ગામ સુધીનું અંતર પાંચ કિ.મી. થાય છે.તેમ છતા રાજગઢ ગામને અત્યાર સુધી એક પણ બસની સેવા મળતી નથી. આથી જો આ બસ પાટણાથી રાજગઢ સુધી લંબાવવામાં આવે તો બોટાદની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી થાય તેમ છે. આ બસ કેરીયાના ઢાળ સુધીના વિસ્તારમાં રહેતા ૨૦ થી વધુ વિદ્યાર્થીઓને અને બોટાદમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાની ખરીદી માટે જતા ખેડૂતોને ઉપરાંત બરવાળા, વલ્લભીપુર, ભાવનગર અને અમદાવાદ તરફ જવા માટે ખુબ જ ઉપયોગી થાય તેમ છે. આ અંગે સમાજ સુરક્ષા ચિલ્ડ્રન વેલ્ફેર કમિટીના પૂર્વ મેમ્બર જયાબેન બી.પનારાએ બોટાદના એસ.ટી.ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે.

