રાજપીપલા કરજણ જળાશય સિંચાઇ યોજનાના નિવૃત્ત કર્મચારીનું પેન્શન મંજૂર કરાવવા માટે લાંચની માંગણી કરનારા બે કર્મચારીઓ વિરુદ્ધ નર્મદા એ.સી.બી.એ લાલ આંખ કરી છે. કરજણ સિંચાઇ યોજનામાંથી ગત સપ્ટેમ્બરમાં નિવૃત્ત થયેલા ફરિયાદીનું પેન્શન મંજૂર કરવાના બહાને રોજમદાર કર્મચારી મહેશભાઇ ખોડાભાઇ વસાવાએ ₹૪૫૦૦/- ની લાંચની માંગણી કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે ફરિયાદીની સર્વિસ બુક ગાંધીનગર પેન્શન કચેરી ખાતે મોકલાવેલ છે અને ત્યાં કામ પતાવવા માટે લાંચ આપવી પડશે. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે એ.સી.બી. પી.આઈ. ડી.ડી. વસાવા અને તેમની ટીમે રાજપીપલાના સંતોષ ચાર રસ્તા પાસે આવેલા સુર્યા કોમ્પલેક્ષ નજીક છટકું ગોઠવ્યું હતું. આરોપી મહેશભાઇ વસાવાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹૪૫૦૦/- સ્વીકારતા જ એ.સી.બી.એ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં ગાંધીનગર પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીના કર્મચારી મુકેશભાઇ આર. પટેલની પણ સંડોવણી અને મદદગારી હોવાનું ખુલતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ.સી.બી.એ લાંચની રકમ રિકવર કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વધુ તપાસ તેજ કરી છે.

