જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનથી આયાત થયેલો અને ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં એક વાડીની ઓરડીમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડી પડ્યો છે, અને દારુના ધંધાર્થીની અટકાયત કરી છે, જ્યારે દારૂના સપ્લાયરનું નામ ખુલ્યું છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂ આયાત કરવામાં આવ્યો છે, અને 31 ડિસેમ્બરની ઉજવણી કરનારા પ્યાસીઓની તરસ છીપાવવાના ભાગરૂપે ઇંગ્લિશ દારૂ આયાત કરી પોતાની વાડીની ઓરડીમાં સંતાડેલો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડીની ઓરડીમાં સંતાડવામાં આવેલો 1,314 નંગ ઇંગ્લિશ દારૂની નાની મોટી બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કુલ 4,35,600 ની કિંમતનો ઇંગલિશ દારૂ અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લઇ દારૂના ધંધાર્થી જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી લીધી છે. પોલીસને પૂછપરછ દરમિયાન પોતે રાજસ્થાનના વતની જગદીશભાઈ નામના એક વ્યક્તિ પાસેથી દારૂ આયાત કરીને લાવ્યો હોવાનું જણાવતાં પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે, અને તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યો છે.

