ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે.જેના કારણે ગુજરાતને ફાયદો થવાની સાથે સાથે નુકસાન પણ થઈ રહ્યું છે.ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જમીનમાં ખારાશ( સેલેનિટી)નું અને સોડિયમનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે આ જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે.

એમ.એસ.યુનિવર્સિટીના અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના અભ્યાસમાં ઉપરોકત જાણકારી સામે આવી છે.ઈન્સ્ટિટયુટના ડાયરેકટર પ્રો.અમિત ધોળકિયાનું કહેવું છે કે, દરિયા કાંઠાના નવ તાલુકાઓમાં ઈન્સ્ટિટયુટ દ્વારા સ્ટડી કરવામાં આવ્યો હતો અને ગુજરાત સરકારના ૨૦૨૩ થી ૨૦૨૫ વચ્ચેના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ નવ તાલુકામાં ખારાશનું પ્રમાણ દરિયા કાંઠાથી પાંચ કિલોમીટરની જમીનમાં અત્યંત વધારે છે.કુલ મળીને આ નવ જિલ્લામાં લેવાયેલા સેમ્પલ અનુસાર ૩૭ ટકા જમીનમાં ખારાશ પ્રસરી છે.જેમાં દ્વારકા તાલુકામાં ૩૫ ટકા અને પોરબંદર તાલુકામાં ૧૯ ટકા જમીન સેલાઈન છે.સેલાઈન અને સોડિયમ એમ બંનેનું પ્રમાણ વધારે હોય તેવી જમીન પણ સૌથી વધારે દ્વારકામાં( ૩૦ ટકા) છે.
દરિયા કાંઠાના નવ તાલુકાઓની જમીનની સ્થિતિ(ટકાવારી પ્રમાણે)
તાલુકો સેલાઈન સેલાઈન- સોડિક સોડિક નોર્મલ
જામનગર ૦ ૧૦ ૨૫ ૬૫
જોડિયા ૧૦ ૫ ૧૦ ૭૫
લાલપુર ૧૦ ૦ ૧૦ ૮૦
જામનગર સરેરાશ ૬.૭ ૫ ૧૫ ૭૩.૩
કલ્યાણપુર ૦ ૨૫ ૫ ૭૦
ખંભાળિયા ૧૦ ૧૦ ૫ ૭૫
દ્વારકા ૩૫ ૧૦ ૧૦ ૨૫
દ્વારકા સરેરાશ ૧૫ ૨૧.૭ ૬.૭ ૫૬.૭
પોરબંદર ૧૯.૧ ૨૩.૮ ૪.૮ ૫૨.૪
જમીનમાં ખારાશ અને સોડિયમ વધવા પાછળના કારણો
ખેતીવાડીમાં ખારાશવાળા પાણીનો ઉપયોગ
ખેતી, ઉદ્યોગો અને બાંધકામમાં ગ્રાઉન્ડ વોટરનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે
ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, ભારે વરસાદ અને પૂરમાં માટીનું ધોવાણ
જંગલો કપાઈ રહ્યા છે અને તે પણ માટીના ધોવાણનું એક મોટું કારણ છે
વારંવાર પૂર, વાવાઝોડાના કારણે દરિયાની ખારાશ કાંઠા વિસ્તારોમાં પ્રસરી રહી છે
સુકુ હવામાન, વધારે તાપમાનના કારણે પાણીનું થતું બાષ્પીભવન
ખારાશને વધતી અટકાવવાના પ્રયાસો
૧૩ આડબંધ, ૬૬૧ ચેક ડેમ અને ૧૫ રિચાર્જ જળાશયો બનાવાયા
સૌરાષ્ટ્ર અને કચ્છ એમ કુલ મળીને ૧૧૨૫ કિલોમીટરનો દરિયા કિનારો છે.છેલ્લા કેટલાક દાયકાઓથી ખારાશને પ્રસરતી અટકાવવાના ભાગરુપે ભરતીને નિયંત્રીત કરવા માટે ૧૩ આડબંધ, ૨૯ બંધારા બાંધવામાં આવ્યા છે.ભૂગર્ભ જળ રિચાર્જ માટે ૧૫ જળાશયો બનાવાયા છે.૬૬૧ ચેકડેમ બનાવાયા છે તથા ૪૪૮૭ નાળાઓનું સમારકામ કરાવાયું છે.જેનો ફાયદો સીધી અને આડકતરી રીતે ૧૯૫૬૯ હેકટર જમીનને થયો છે.જ્યારે ૨૦૧૭ના અહેવાલમાં સરકારના સેલેનિટી કંટ્રોલ ડિવિઝનને ટાંકીને ઉલ્લેખ કરાયો છે કે, સિંચાઈના કારણે ૩૨૬ મિલિયન ક્યુબિક મીટર તાજા પાણીનો સંગ્રહ આ વિસ્તારમાં શક્ય બન્યો છે.જેના ાકરણે ૮૭૮૬૦ હેકટર જમીનને ફાયદો થયો છે.સાથે સાથે ૨.૨૬ લાખ હેકટર જમીનમાં ખારાશ પ્રસરતી અટકાવી શકાઈ છે.
ખારાશના કારણે સંભવિત પડકારો
તાજા પાણીની ઉપલબ્ધતા
ખાદ્ય સુરક્ષા પર સવાલો
માટીની ગુણવત્તામાં ઘટાડો
લોકોનું સ્થળાંતર
પર્યાવરણનું ધોવાણ
અર્થતંત્ર પર વિપરિત અસર
જમીન નકામી થવાનો ડર
ખારાશથી રોડ, પુલો, મકાનો પર અસર
જૈવિક વિવિધતા પર જોખમ
સરવાળે અર્થતંત્ર પર વિપરિત અસરો

