રાજ્ય સરકારના વન, પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના નવનિયુક્ત કેબિનેટ મંત્રી તરીકે અર્જુનભાઈ મોઢવાડિયાની નિમણૂક થવા બદલ પોરબંદર સહીત સમગ્ર રાજ્યમાં ગૌરવની લાગણી વ્યાપી છે. આ નિમણૂકને અભિનંદન આપવા તથા સન્માનાર્થે ગુજરાત હાઉસિંગ બોર્ડ પોરબંદર એસોસિયેશન દ્વારા ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલ તેમની કચેરી ખાતે ઉષ્મા વસ્ત્ર અને ગુલાબના ગુલદસ્તા સાથે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે પ્રતિસાદ આપતા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ લોકસેવા કરવાની અનમોલ તક પ્રાપ્ત થઈ છે. ભાજપ ટીમ દ્વારા કરાયેલ શ્રેષ્ઠ કાર્યની કદર થતા આ સન્માન પોરબંદર જિલ્લા ભાજપ તેમજ સમગ્ર પંથકના નાગરિકોનું સન્માન છે. તેમણે ગુજરાત સરકાર અને ભાજપ પક્ષ પ્રત્યે ઋણાનુબંધની ભાવના વ્યક્ત કરી હતી.
પોરબંદર શહેરના હાઉસિંગ બોર્ડના વિવિધ વિસ્તારો – બીરલા રોડ, રાજમહેલ રોડ, કડીયા પ્લોટ, કમલા નહેરુ બાગ કોલોનીમાં કુલ 591 ઘરો આવેલા છે જેમાં મધ્યમ વર્ગના નાગરિકો નિવાસ કરે છે. એસોસિયેશનના પ્રમુખ જયંતિભાઈ રાઠોડ, મંત્રી નિલેશભાઈ બાબોદરા અને સહમંત્રી રાહુલભાઈ કક્કડના નેતૃત્વ હેઠળ કેબિનેટ મંત્રીના સન્માન કાર્યક્રમમાં હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલર કાંતિભાઈ કાણકિયા, ડો. ઈશ્વરલાલ ભરડા, અશોકભાઈ ચૌહાણ, અનિરુદ્ધસિંહ જાડેજા, રવિભાઈ ભટ્ટ સહિત અનેક હાઉસિંગ બોર્ડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા તથા કુલ ૮૬ ટકા મતો સાથે ૧,૧૬,૮૦૮મતોની ઐતિહાસિક લીડ મેળવનાર પોરબંદરના લોકપ્રિય ધારાસભ્ય તથા વર્તમાન કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમની રાજકીય કારકિર્દીને વધુ ઊંચાઈએ પહોંચાડે અને પોરબંદરનો વિકાસ વધુ ગતિ પામે તેવી અભિલાષા સાથે એસોસિયેશનના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

