ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. ૦૭ નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ@૧૫૦”ની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આવતીકાલ તા.૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો સમય સવારના ૧૦:૩૦થી સાંજે ૦૬:૧૦ને બદલે સવારના ૯:૩૦થી સાંજે ૦૫:૧૦ સુધીનો રહેશે. આવતીકાલે સવારે ૯:૩૦ કલાકે તમામ સરકારી અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહીને ‘વંદે માતરમ’ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવાનું રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સચિવાલય, વિધાનસભા પરિસર ખાતે તેમજ પ્રભારીમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના મુખ્ય મથક, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત તથા મેયરશ્રીની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પોલીસ વડાશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાની કચેરી તથા નગરપાલિકા પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં તમામ નગરપાલિકાઓ ખાતે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવશે તથા રાષ્ટ્રગીતના સમૂહગાન બાદ સ્વદેશીની શપથ લેવાની રહેશે તેમ, વધુમાં જણાવાયું છે.
સ્વદેશી શપથ
હું, ભારતમાતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે, મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ. ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ. યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ. પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ. પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશનાં પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ.
- REPOTER : પ્રિન્સ ચાવલા

