આણંદના રાસનોલ ગામ પાસેથી કારમાંથી અને કાર પાસેની અવાવરૂ જગ્યામાંથી વિદેશી દારૂની ૨,૬૪૦ બોટલ ઝડપાઈ હતી, જ્યારે પોલીસને જોઈને આરોપી નાસી છૂટયો હતો. ખંભળોજ પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર સહિત રૂપિયા ૩.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભળોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રાસનોલ વિસ્તારમાં આવેલા ઘોડીવારૂ ચાર રસ્તા પાસે ચરામાં શૌલેષભાઈ મનુભાઈ પરમાર (રહે. રાસનોલ, ભાથીજીવાળું ફળીયું, તા. જિ. આણંદ) એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાનો છે. જે બાદ પોલીસે દ્વારા બાતમી મળેલા સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે એક કાર મળી આવી હતી, જ્યારે શખ્સ પોલીસને જોઈને ખેતરમાં નાસી છૂટયો હતો. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂના ૩૫ બોક્સ અને કારની બાજુમાં આવેલા ચરામાં અવાવરૂ જગ્યાએ ૨૦ બોક્સ મળીને કુલ ૫૫ બોક્સ વિદેશી દારૂના ઝડપાયા હતા. જેમાં કિંમત રૂપિયા ૨,૬૪,૦૦૦ના ૨,૬૪૦ ક્વાર્ટરિયા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર સહિતનો રૂપિયા ૩,૬૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર શખ્સ શૈલેશભાઈ મનુભાઈ પરમાર (રહે. ભાથીજીવાળું ફળીયું, રાસનોલ, તા.જિ.આણંદ) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

