અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર ૪૮ (NH-48) પર ભરૂચથી વડોદરા તરફ કિયા ગામના પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચમાં લગ્ન પ્રસંગેથી વડોદરા જિલ્લાના કરજણ પરત ફરી રહેલા એક પરિવારની મુસાફરો ભરેલી રિક્ષા રામદેવ હોટલ પાસે નાળાની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દેતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં રિક્ષામાં બેઠેલા પાંચ સભ્યો (જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થતો હતો) ઉછળી પડ્યા હતા.

આ અકસ્માતમાં ૧૬ વર્ષીય તજમુલ મહેંદવી રિક્ષામાંથી ઉછળી જઈ બાજુમાં આવેલા નાળામાં ખાબક્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તજમુલનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલક સહિત પરિવારના અન્ય ચાર સભ્યો જાવેદભાઈ, શિષયત મહેંદવી, રિયાન અને જૈદને પણ ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

