વાલિયા તાલુકાના લુણા ગામમાં તળાવની પાળ પર ગેરકાયદેસર માટી ખનનનું મસમોટું કૌભાંડ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું છે. ગ્રામજનોની જાગૃતિ અને તંત્રની ત્વરિત કાર્યવાહીને પગલે કુદરતી સંપત્તિની ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

લુણા ગામના સીમ વિસ્તારમાં આવેલા તળાવ પાસે ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ ચાલી રહ્યું હોવાની બાતમી મળતા જ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને સર્વેયરની ટીમે સ્થળ પર ઓચિંતો દરોડો પાડતા ખનન માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની મંજૂરી કે રોયલ્ટી પાસ વગર માટી ઉલેચતા એક જેસીબી (JCB) મશીન અને એક ટ્રેક્ટરને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા વાહન ચાલકો પાસે જરૂરી આધાર-પુરાવા માંગવામાં આવતા તેઓ કોઈ પણ કાયદેસરના કાગળો રજૂ કરી શક્યા ન હતા. આથી, ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરી બંને વાહનો સીઝ કર્યા છે અને લાખો રૂપિયાનો દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ મામલે વિભાગ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે આ કૌભાંડ પાછળ અન્ય કયા મોટા માથાઓનો હાથ છે.
