ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા, સહકાર, સ્વાભિમાન અને દેશપ્રેમની ભાવના વધુ પ્રજ્વલિત થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાની પ્રેરણ આપી છે. “આપણે સૌ ભારતીય છીએ અને ભારત આપણું છે. આપણે એક થઈને રહીશું તો જ પ્રગતિ કરી શકીશું.” —સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતાના આ સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર દેશમાં “સરદાર @૧૫૦: યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે.

કલ્પના કરો ૧૯૪૭ના એ ભારતની, જ્યારે આઝાદીનો સૂરજ ઉગ્યો ત્યારે દેશ ૫૬૨ જેટલા નાના-મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. તે સમયે, પોતાની કુનેહ અને મક્કમ મનોબળથી સરદાર વલ્લભભાઈ પટેલે આશરે ૫૬૨ જેટલા રજવાડાઓને જોડીને એક ‘અખંડ ભારત’નું નિર્માણ કર્યું હતું. જૂનાગઢ અને હૈદરાબાદ જેવા જટિલ પ્રશ્નો તેમણે જે ત્વરિત ગતિ અને મક્કમતાથી ઉકેલ્યા, તેણે સિદ્ધ કરી દીધું કે તેઓ સાચા અર્થમાં ‘લોખંડી પુરુષ’ હતા. તેમણે માત્ર ભૌગોલિક એકીકરણ જ ન કર્યું, પરંતુ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે ભારતીય વહીવટી સેવાનું એવું મજબૂત માળખું ઘડ્યું, જે આજે પણ ભારતીય લોકશાહીની કરોડરજ્જુ બનીને અડીખમ ઊભું છે.
સરદાર સાહેબના જીવનના આવા જ પ્રેરણાદાયી અધ્યાયોને દેશના ખૂણે-ખૂણે ગુંજતા કરવા માટે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા “સરદાર @ ૧૫૦: યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે સરદારના પ્રારંભ અને તેમના વિરાટ વ્યક્તિત્વ વચ્ચેનો સેતુ બનશે. આ રાષ્ટ્રીય પદયાત્રા તા. ૨૬ નવેમ્બર – સંવિધાન દિવસના રોજ સરદાર પટેલના વતન કરમસદની પવિત્ર ભૂમિથી શરુ થઈને તા. ૦૬ ડિસેમ્બરના રોજ નર્મદા નદીના કિનારે બિરાજમાન સરદાર પટેલની વિરાટ પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પૂર્ણ થશે.
કરમસદથી એકતાનગર વચ્ચેનું આશરે ૧૫૨ કિલોમીટરનું અંતર માત્ર રસ્તો નહિ, પણ હવે રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે. ૧૧ દિવસ સુધી ચાલનારી આ યાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામડાઓની ધૂળને પાવન કરતી આગળ વધશે. આ ઐતિહાસિક યાત્રામાં પ્રતિદિન ભારત સરકાર અને ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિતના વિવિધ મહાનુભાવો અને દેશના વિવિધ રાજ્યો અને મોટાભાગના તમામ જિલ્લાઓમાં થી યુવાનો જોડાશે. પ્રત્યેક દિવસે અંદાજે ૧૫,૦૦૦થી વધુ દેશપ્રેમીઓનું ઘોડાપૂર આ યાત્રામાં જોડાઈને સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે.
આ યાત્રા પૂર્વે રસ્તામાં આવતા ગામડાઓમાં સરદાર સાહેબના જીવન-કવન પરના સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ યાત્રાના પ્રત્યેક દિવસે બે ગામમાં – બે સરદાર ગાથા સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં નામાંકિત વક્તાઓ દ્વારા સરદાર સાહેબના આદર્શો, મૂલ્યો અને સિદ્ધાંતોથી નાગરિકોને જાગૃત કરવામાં આવશે. સરદાર ગાથા સભામાં ગામના સાચા રત્નો – વયોવૃદ્ધ વડીલો, કુશળ કારીગરો, તેજસ્વી દીકરીઓ, દેશના રક્ષક સૈનિકો, પ્રગતિશીલ ખેડૂતો, સ્વાવલંબી મહિલાઓ અને શ્રેષ્ઠ ખેલાડીઓનું સન્માન કરીને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવશે. સાથે જ, સ્વદેશીના શપથ પણ લેવામાં આવશે.
ગાંધીજી અને સરદારના સ્વચ્છતાના આગ્રહને ધ્યાનમાં રાખીને, એક વિશેષ “કૃષ્ણ ટુકડી” કાર્યક્રમ સ્થળો અને રાત્રી રોકાણના સ્થળોની સફાઈ સુનિશ્ચિત કરશે, જેથી યાત્રા પાછળ માત્ર પ્રેરણાના પગલાં છોડી જાય, ગંદકી નહીં. આટલું જ નહિ, પદયાત્રાના પ્રત્યેક દિવસે એક થીમેટીક વર્કશોપ અથવા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવશે. પદયાત્રાના રૂટ પર ખાદી તેમજ સરદાર સાહેબના જીવનને પ્રદર્શિત કરતા સહિતનું વેચાણ પણ કરવામાં આવશે. આ પદયાત્રામાં એક સરદાર સાહેબના જીવન આધારિત રથ તેમજ એક આત્મનિર્ભર ભારત / સ્વદેશી રથ જોડાશે.
વધુમાં આ યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર વર્તમાન પેઢી સુધી સીમિત નથી. જે જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થશે, ત્યાંની શાળા-કોલેજોમાં નિબંધ, વકતૃત્વ, ચિત્ર, નાટક અને ક્વિઝ જેવી સ્પર્ધાઓ દ્વારા નવી પેઢીને સરદારના વિચારોથી અવગત કરવામાં આવશે. “સરદાર @ ૧૫૦: યુનિટી માર્ચ” માત્ર એક પદસંચાલન ન રહીને, ઇતિહાસના ગૌરવને વર્તમાનના પુરુષાર્થ સાથે જોડીને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જનારી એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કડી પૂરવાર થશે. ચાલો, આ રાષ્ટ્ર યજ્ઞમાં જોડાઈએ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના શપથને પુનઃ સાકાર કરીએ.
આ પદયાત્રામાં ૧૫૦ ‘કાયમી પદયાત્રીઓ’ને પણ સ્થાન અપાશે, જેઓ શરૂઆતથી અંત સુધી ‘કાયમી પદયાત્રી’ તરીકે યાત્રામાં જોડાશે. આ પદયાત્રીઓ સંપૂર્ણ યાત્રા દરમિયાન આશ્રમજીવન મુજબ વર્તશે અને પોતાનું કામ પોતે જ કરી સ્વાવલંબનનું પાલન કરશે. આ કાયમી પદયાત્રીઓની પસંદગી ‘My Bharat’ પોર્ટલના માધ્યમથી કરવામાં આવી છે.
REPOTER : નિતિન રથવી

