શહેરના વડવા નેરા વિસ્તારમાં બે શખ્સો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો તે દરમિયાન વડવા વિસ્તારમાં રહેતો યુવાન ત્યાંથી પસાર થતો હતો તેવામાં માથાના ભાગે પથ્થર વાગી જતાં થયેલી ઈજા બાદ યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

શહેરના વડવા નેરા વિસ્તારમાં આવેલ નાથવાળી શેરીમાં રહેતા ફેઝલભાઈ રઝાકભાઇ ઝાકાંએ નિલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, ગઈ તા.૧૬ નવેમ્બર ૨૦૨૫ના રાત્રીના સવા દસેક વાગ્યાના સમયે ભાઇ વસીમભાઇ રઝાકભાઇ ઝાકા ચાલીને વડવા નેરાથી વિજય ટોકીઝ જતા હતા, તે દરમિયાન બાવાગોર ચોકથી વડવાનેરા વચ્ચે પહોંચ્યા ત્યારે અદનાન ઉર્ફે બાદશાહ અસ્લમભાઇ મકવાણા તથા અલબક્ષ ઉર્ફે અબો બન્ને માથાકૂટ કરતા કરતા હતા અને અદનાન ઉર્ફે બાદશાહ જાણતા હોય કે, પથ્થરનો ઘા કરશે અને તે કોઇને વાગશે તો તેનુ મૃત્યું થઈ શકે છે. તેમ છતાં શેરીમાં પડેલ મોટો પથ્થર લઈ તેનો ઘા કરતા વસીમભાઈને માથામાં વાગી જતા તેને માથામાં જીવલેણ ગંભીર ઇજા થઈ હતી. યુવાનને ગંભીર હાલતે ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું બુધવારે મોડી રાત્રિના દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ ફેઝલભાઈએ અદનાન ઉર્ફે બાદશાહ અસ્લમભાઇ મકવાણા વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૦૫ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

