સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે વડોદરા ગ્રામ્યના વાઘોડિયા વિસ્તારમાં દારૂના મોટા નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. વાઘોડિયા બસ સ્ટેન્ડ પાછળ આવેલી આનંદ નગરીમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું, તે સમયે જ પીએસઆઈ જે.એચ. સિસોદિયાની ટીમે છાપો મારી કુલ ₹૪૧,૯૨,૦૬૪નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર સહિત ૯ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૧૧ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
SMCની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની ૬,૧૨૯ બોટલો (કિંમત ₹૧૭.૭૨ લાખ) ઝડપી પાડી હતી. આ દારૂની હેરાફેરી માટે વપરાતી ટાટા હેરિયર, ઇકો અને સ્વિફ્ટ જેવી ૭ કાર તેમજ ૩ ટુ-વ્હીલર મળી કુલ ૧૦ વાહનો જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય બૂટલેગર કરણ બારીયા અને તેનો ભાગીદાર વિનોદ વસાવા સામેલ છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે દારૂનો આ મોટો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુરથી વિનય તોમર અને જેન્તી તોમર દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને BNS ની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. પકડાયેલા ૯ આરોપીઓ ઉપરાંત દારૂ સપ્લાય કરનારા અને વાહનોના માલિકો સહિત ૧૧ લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

