નિશ્ચય અને સમર્પણની પરાકાા એટલે વડોદરાની ૨૪ વર્ષીય ગરિમા વ્યાસ. તેણે હાલમાં જ હૈદરાબાદ ખાતે યોજાયેલી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૫૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોક કેટેગરીમાં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને સમગ્ર દેશને પ્રેરણા આપી છે. આ સિદ્ધિ સાથે જ તેણે સાબિત કરી દીધું છે કે શારીરિક મર્યાદાઓ ક્યારેય મનોબળની આડે આવતી નથી.

નવ વર્ષ પહેલાં પાવાગઢ પર્વત પર ટ્રેકિંગ દરમિયાન થયેલા એક ગંભીર અકસ્માતે તેને કમરેથી લકવાગ્રસ્ત (પેરાપ્લેજિક) બનાવી દીધી હતી. જોકે, હતાશામાં ડૂબવાને બદલે, ગરિમાએ સ્વિમિંગને જીવનનું લક્ષ્ય બનાવ્યું હતું. ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવતી ગરિમાએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું રાષ્ટ્રીય રેકોર્ડ્સ તોડીશ અને મેડલો એકઠા કરીશ.અકસ્માત પછી લાંબા સમયની સારવાર બાદ, સ્વિમિંગ મારા માટે સૌથી પ્રિય રુચિ બની ગયું છે.
ગરિમાએ હૈદરાબાદ ખાતે તા.૧૫ થી ૧૮ નવેમ્બર દરમિયાન યોજાયેલી ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જ્યારે ટીમ રિલે ઇવેન્ટમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ગરિમાએ ૫૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં તેનો અગાઉનો જે રાષ્ટ્રીય રેકોર્ડ ૦૧ઃ ૨૫ઃ૩૨ હતો તે તોડીને આ વર્ષે ૦૧ઃ૧૮ઃ ૫૯નો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ગરિમાએ અત્યાર સુધીમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે,
જ્યારે રાષ્ટ્રીય સ્તરે તેણે ૯ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મળી કુલ ૧૬ મેડલ જીત્યા છે તો સ્ટેટ લેવલે તેણે ૬ મેડલ જીત્યા છે. ગુજરાતના ૩૨ પેરા સ્વિમર્સની ટીમે આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને કુલ ૪૮ મેડલ (૧૫ ગોલ્ડ, ૨૧ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ મેડલ) સાથે છઠ્ઠા ક્રમે રહી હતી.ગરિમાએ વર્ષ ૨૦૨૧માં વ્યવસ્થિત પ્રેક્ટિસ શરૃ કર્યા પછી, તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેનું અંતિમ લક્ષ્ય હવે તે આંતરરાષ્ટ્રીય મેડલ જીતીને દેશનું નામ રોશન કરવા માગે છે.
