વડોદરામાં પાણી અને ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડા જીવલેણ પુરવાર થવા છતાંય તંત્ર બોધપાઠ લઇને આવા બનાવો અટકાવવા માટે કોઇ કાર્યવાહી કરતું નથી. ગઇકાલના બનાવ સાથે આ વર્ષે અત્યારસુધી ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અકસ્માતના ઘણા બનાવો બન્યા છે.

વાઘોડિયારોડ પર બાપોદ વુડાના મકાનમાં રહેતો ૩૮ વર્ષનો અનિલ ઠાકોરભાઇ વસાવા ભાડેથી રિક્ષા ફેરવતો હતો. ૨૪ મી જૂને ઘેર જમીને તે નવ વાગ્યે રિક્ષાનો ફેરો મારવા માટે નીકળ્યો હતો. સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા તરફ જવાના રોડ પર નવા બ્રિજનું કામ ચાલે છે ત્યાં કોર્પોરેશન દ્વારા ખોદેલા ખાડામાં તેની રિક્ષા પડતા પલટી મારી જતા તેનું મોત થયું હતું.
અટલાદરા સ્વામિ નારાયણ મંદિરની સામે અક્ષર દર્શન સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષના રમેશચંદ્ર મનજીભાઇ ટાંક તથા તેમના પત્ની તરૃલતાબેન ગત ૨૮ મી નવેમ્બરે સાંજે સાડા ચાર વાગ્યે બાઇક લઇને ચાણસદ ગામ સ્વામિ નારાયણ મંદિરે દર્શન કરવા માટે જતા હતા. બિલ – ચાપડ રોડ પર નવી બંધાતી સાંનિધ્ય ટાઉનશિપ એસ્ટર બિલ્ડિંગથી આગળ રોડ પરના ખાડામાં બાઇક પછડાતા તરૃલતાબેન બાઇક પરથી ઉછળીને રોડ પર પટકાયા હતા. તે દરમિયાન બિલ ગામ તરફથી આવતી ટ્રકના ચાલકે તરૃલતાબેનને કચડી નાખતા તેઓનું મોત થયું હતું.
જ્યારે ગઇકાલે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે ઊંડા ખાડામાં પડતા ૪૩ વર્ષના વિપુલસિંહ ઝાલાનું મોત થયું હતું.
જયરત્ન બિલ્ડિંગ પાસે મંગલવાડી સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષના રામચંદ્ર કિશનલાલ ગોસાંઇ ગત ૧૮ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ બાઇક લઇને જતા હતા. તે દરમિયાન ગાજરાવાડી રોડ પર ખાડામાં પડતા તેઓનું મોત થયું હતું.
હાઇવે પર પણ ખાડાનું જોખમ ત્રણ બહેનોના ભાઇએ જીવ ગુમાવ્યો હતો
વડોદરા,
ગત ૧૬ મી નવેમ્બરે પોર હાઇવે પરના ખાડાના કારણે અકસ્માત થતા શહેર નજીકના રાંભીપુરા ગામના ખેડૂત પરિવારે ત્રણ દીકરીઓ પછી જન્મેલા એક ના એક પુત્ર આશિક અરવિંદભાઇ પાટણવાડિયાને ગુમાવ્યો હતો. આ ઉપરાંત વડોદરામાં છેલ્લા બે મહિનામાં રોડ પરના ખાડાના કારણે ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી.
વરસાદી કાંસમાં તણાયેલા ફતેપુરાના વેપારીનો ચાર દિવસે મૃતદેહ મળ્યો હતો
વડોદરા,
૨૬-૦૪- ૨૦૨૫ ના રોજ ૬૧ વર્ષના ભરતભાઇ ચંદ્રકાંતભાઇ બારોટ ગોત્રી ગોકુલ નગર નજીક વરસાદી કાંસમાં પડયા હતા. જોકે, લોકોએ તેઓને બચાવી લીધા હતા.
ઓગસ્ટ – ૨૦૧૯ માં હુજરત ટેકરા વિસ્તારમાં રહેતો મુકેશ પરમાર નામનો લસણનો વેપારી કોયલી ફળિયા પાસે વરસાદી કાંસમાં પડયો હતો. તેનો મૃતદેહ ચાર દિવસ પછી કાસમઆલા કબ્રસ્તાન પાસેથી મળી આવ્યો હતો.
મે – ૨૦૨૫ માં આજવા રોડ એકતાનગર પાસે કોર્પોરેશને કામગીરી માટે ખોદેલા ખાડામાં બાળક પડયો હતો. જોકે, સ્થાનિક લોકોએ તેને બચાવી લીધા હતા.
