વડોદરાના સર સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસનો ડ્રો થવાની માહિતી મળતા કાર્યક્રમમાં પહોંચેલા અરજદારોને કાર્યક્રમ રદ કરાયો હોવાની જાણકારી ન મળતા અરજદારોએ મ્યુ. કોર્પોરેશન વિરુદ્ધ નારાજગી દર્શાવી ભારે હોબાળો મચ્યો હતો.

વડોદરા શહેરમાં સર સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનોના ડ્રો થવાનો મેસેજ મળતા મોટી સંખ્યામાં અરજદારો સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને ખબર પડી કે ડ્રોનું કાર્યક્રમ આજે નહિ પરંતુ આવતીકાલે, તા.11 ડિસેમ્બરે, આજવા સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાશે. અચાનક કાર્યક્રમ બદલાઈ જતાં કામધંધા છોડીને આવેલા લાભાર્થીઓએ મ્યુ. કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી હતી. અરજદારોનું કહેવું હતું કે, કાર્યક્રમ રદ થયો હોવા છતાં કોર્પોરેશન તરફથી કોઈ અપડેટેડ મેસેજ ન મળતા તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પ્રમુખે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આ નાગરિકોના કલ્યાણ માટેની યોજના છે, હેરાન કરવા માટેની નહીં. સંકલનના અભાવે લોકો ભટકાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અનેક આવાસોના બાંધકામ અધૂરા છે છતાં રૂપિયા ઉઘરાવવાની બાબત ધ્યાને આવી છે. આ ઉપરાંત સરકારી આવાસોમાં ભ્રષ્ટાચારની માહિતીને આધારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે.

