GUJARAT : વડોદરામાં રફ્તારનો કહેર: બે કાર વચ્ચેના અકસ્માતમાં બાઈક પર સ્કૂલે જતી 7 વર્ષની માસૂમ જીયાનું મોત, પિતાની નજર સામે જ લાડકીએ દમ તોડ્યો

0
13
meetarticle
સંસ્કારનગરીમાં જીવલેણ અકસ્માતોની હારમાળા વચ્ચે મકરપુરા રોડ પર સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતે 7 વર્ષની બાળકીનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. માણેજાના શિવ બા નગરમાં રહેતા ચેતનભાઈ સોલંકી પોતાની બે પુત્રીઓને બાઈક પર સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે કટારીયા શોરૂમ પાસે કાળ બનીને આવેલી બે કારોની ટક્કરને કારણે સર્જાયેલા અકસ્માતમાં માસૂમ જીયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી માનવતા નેવે મૂકી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

​પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, માણેજા-મકરપુરા રોડ પર એક વેગનઆર કારને પાછળથી પૂરઝડપે આવતી ઇનોવા કારે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે વેગનઆર કાર ફંગોળાઈને સીધી ચેતનભાઈની બાઈક સાથે અથડાઈ હતી. આ અથડામણમાં 7 વર્ષીય જીયા રોડ પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં પિતા અને પુત્રીઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ જીયાને મૃત જાહેર કરી હતી. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આ માર્ગ પર સ્પીડ બ્રેકરના અભાવે વાહનો બેફામ દોડે છે. પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here