વડોદરાના સમા-સાવલી રોડ વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીના અપહરણના ચકચારી કિસ્સામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પીડિતાએ પોલીસ સમક્ષ વર્ણવ્યું છે કે તેનું અપહરણ કરી, તેને નગ્ન કરી નચાવવામાં આવી હતી અને મોઢે ડૂચો મારી, ગરમ ચપ્પુના ડામ દઈ તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સનસનીખેજ કેફિયત બાદ સમા પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીડિતાએ જણાવ્યું કે તેની સાથે અગાઉ કામ કરતી શિવાની મોરેને તેણે રૂ. 11,000 આપ્યા હતા, જેમાંથી રૂ. 6,600 લેવાના બાકી હતા. શિવાનીએ નોકરી છોડી દીધી હોવાથી પીડિતા દસ-બાર દિવસથી પોતાના રૂપિયા માંગી રહી હતી.

23 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યે શિવાનીએ પીડિતાને ફોન કરી સ્પા સેન્ટરની પાછળ બોલાવી હતી. પીડિતા ત્યાં પહોંચતા શિવાનીએ કોઈને ફોન કર્યો અને ગણતરીની સેકન્ડમાં જ એક કાર આવી પહોંચી. કારમાં વકાર નામનો પુરુષ અને ફજરીન નામની મહિલા બેઠા હતા. વકારે યુવતીના વાળ ખેંચી, ચપ્પુ બતાવી જબરદસ્તી કારમાં બેસાડી દીધી અને તેના મોબાઈલ આંચકી લીધા હતા.
ત્યારબાદ ત્રણેય જણા યુવતીને એક અવાવરું મકાનમાં લઈ ગયા હતા. ત્યાં વકારે યુવતીને માર મારવાનું શરૂ કર્યું અને આરોપ લગાવ્યો કે, ‘તું મારી પત્ની પાસે ખરાબ ધંધા કરાવે છે અને મારી પત્નીનો વિડીયો વાયરલ કર્યા છે.’ પીડિતાએ આવો કોઈ વિડીયો વાયરલ નહીં કર્યો હોવાનું અને સ્પાના કેમેરા ચેક કરી લેવા કહ્યું છતાં ત્રણેયે તેને માર માર્યો હતો.
પીડિતાએ જણાવ્યું કે, ત્રણેય જણા અંદરોઅંદર વાત કરતા હતા કે, ‘આને બીજી જગ્યાએ લઈ જઈ આજે પતાવી દેવી છે.’ ત્યારબાદ તેઓ યુવતીને શિવાની અને વકારના તાંદલજા સ્થિત ફ્લેટ પર લઈ ગયા. ત્યાં અત્યાચારની હદ પાર કરવામાં આવી હતી.
આરોપીઓએ ગેસ પર ચાકુ ગરમ કરી પીડિતાને બંને પગે, નાક પર, હાથના પંજા પર અને કાન પાસે ડામ દીધા હતા. ચપ્પુ વડે તેના કપડાં ફાડી નાખી, જાંઘ અને ગોઠણ પાસે ઘા કર્યા હતા. નરાધમોએ યુવતીને નગ્ન હાલતમાં નાચવા માટે મજબૂર કરી હતી, જેનો શિવાનીએ વિડીયો ઉતાર્યો અને કહ્યું, ‘જેવી રીતે મારો વિડિયો ઉતાર્યો તેવી રીતે તારો વીડિયો પણ વાયરલ કરીશ.’ પીડિતાના મોઢામાં ડૂચા પણ મારી દેવામાં આવ્યા હતા.
આરોપીઓએ પીડિતાના દાગીના ઉતારી લીધા હતા અને વધુ રૂપિયાની માંગણી કરી હતી, જે પીડિતાએ આપવાની તૈયારી બતાવી હતી. મોડી રાત્રે વકાર અને શિવાની એક રૂમમાં જતા રહ્યા, જ્યારે પીડિતા ફજરીન સાથે સૂઈ હતી. આ દરમિયાન મોકો મળતાં પીડિતાએ રાત્રે પોતાના મોબાઈલ પરથી સ્પા સેન્ટરના સંચાલક વિવેકભાઈને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી દીધી અને ફોન સ્વીચ ઓફ કરી પાછો મૂકી દીધો હતો.
સવારે આરોપીઓએ પીડિતાને બાથરૂમમાં પૂરી દીધી હતી. તે જ સમયે તેના શેઠ પોલીસને લઈને ફ્લેટ પર પહોંચી ગયા હતા. પોલીસે યુવતીને મુક્ત કરાવી હતી અને ત્રણેય આરોપીઓ શિવાની મોરે, વકાર અને ફજરીનને દબોચી લઈ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. સમા પોલીસે આ મામલે અપહરણ, ગેરકાયદે ગોંધી રાખવા, મારપીટ અને હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

