વડોદરા,સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સમગ્ર રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી હતી. આજે સાંજે વડોદરામાં અંદાજે ૬૦ કિલોમીટરની ઝડપે વંટોળ સાથે પવન ફૂંકાયો હતો.ધૂળની ડમરીઓના કારણે વાહનચાલકો હેરાન થયા હતા. ત્યારબાદ થોડીવારમાં જ વરસાદી શરૃ થયો હતો. મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડયો હતો.

આજે સવારે ૯ વાગ્યા સુધી શહેરમાં આકાશ વાદળોથી છવાયેલું રહ્યું હતું. તેમજ વાતાવરણમાં ઠંડીનો ચમકારો જણાતો હતો. દિવસ દરમિયાન પણ ગરમીનો પારો ૩૫ ડિગ્રી જ રહ્યો હતો. જ્યારે ન્યૂનતમ તાપમાન૨૩ નોંધાયું હતું. દિવસ દરમિયાન પવનની ગતિ માત્ર ૮ કલાકની જ રહી હતી. પરંતુ, સાંજ પડતા જ વાતાવરણાં પલટો આવ્યો હતો. સાડા છ વાગ્યા પછી શહેરમાં ધીરે ધીરે પવનની ગતિમાં વધારો થયો હતો. સાત વાગ્યે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. પવનની ગતિ ૬૦ કિલોમીટર સુધી પહોંચી જતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. સાંજે નોકરીથી ધરે જતા વાહનચાલતો ધૂળની ડમરીઓના કારણે હેરાન થયા હતા. જોતજોતામાં વરસાદ શરૃ થયો હતો. લગભગ એક કલાક સુધી વડોદરાને ઘમરોળ્યા પછી પવનની ગતિ ઘટી હતી. પરંતુ, વરસાદના ઝાપટા ચાલુ જ રહ્યા હતા. વડોદરા શહેર ઉપરાત જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.ખેડૂતોનો ખેતરોમાં તમાકુ, દિવેલા, ઘઉં, બાજરી રાઇડો તુવેર તેમજ શાકભાજી ના પાકો તૈયાર હોવાથી ભારે નુકશાનની દહેશત સાથે ખેડૂતો પોતાનો પાક બચાવવા ખેતરોમાં દોડતા જોવા મળી રહ્યા હતા. ખેડૂતોનો પાક વરસાદના કારણે પલળી ગયો હતો. કમોસમી વાવાઝોડું અને વરસાદના કારણે આખા વર્ષમાં મહા મહેનતે તૈયાર કરેલ પાક બગડી જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

