કોરોનાકાળમાં બંધ કરાયેલી વડોદરા – કઠાણા ડેમૂ (ડિઝલ ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટ) ટ્રેનને તા.૭ ડિસેમ્બરે કઠાણા રેલવે સ્ટેશનથી લીલીઝંડી અપાશે.

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે તા. ૭ ડિસેમ્બરથી વડોદરા – કઠાણા રૂટ પર ડેમૂટ્રેન સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે ગુજરાતમાં આવેલા પૂરથી માર્ગ તેમજ રેલવે સુવિધાઓને ભારે નુકસાન થયું હતું. વાસદ-કઠાણા રેલ માર્ગ તથા સ્ટેશનોની ઈમારતોને પણ નુકસાન થયું હતું. લોક પ્રતિનિધિઓ અને સ્થાનિક મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને ડીઆરએમ રાજુ ભડકેના નિર્દેશનમાં આ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે.
પૂરથી અસરગ્રસ્ત આ સેક્શનમાં બેલાસ્ટ ફાઇલિંગ, ટ્રેક ટેમ્પરિંગ, લેવલ ક્રોસિંગ પર લિફિંટગ બેરિયર રિપેરિંગ વગેરે તથા બોચાસણ, બોરસદ, કઠાણા સ્ટેશનો પર કવર શેડ, પ્લેટફોર્મ, એપ્રોચ રોડ,પ્લાસ્ટરિંગ સહિતના સમારકામથી સમગ્ર સેક્શનને ફરીથી ટ્રેન પરિચાલન માટે યોગ્ય બનાવાયો છે.વાસદ – કઠાણા ડેમૂ સેવા ફરી શરૂ થવાથી અપડાઉન કરતા નોકરિયાત, વેપારીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત થશે. આ ટ્રેનનું બોચાસણ, બોરસદ, વાસદ, નંદેસરી, રણોલી, કરચિયા યાર્ડ – બાજવા સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે. અત્રે નોંધનીય છે કે, ગંભીરા બ્રિજ તૂટતા અસંખ્ય લોકોને રોજગાર તથા શિક્ષણ માટે વડોદરા જવા હાડમારી વેઠવાનો વખત આવ્યો હતો. –

