ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવનું શનિવારે (આઠમી નવેમ્બર) રાત્રે તેના હોમટાઉન વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરણી એરપોર્ટ પરથી શરૂ થયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો, ચાહકો અને શહેરના નાગરિકો ઉમટી પડ્યા હતા, જાણે આખું શહેર પોતાની દીકરીના ગૌરવમાં ઝૂમી ઊઠ્યું હોય.
પોતાના ભવ્ય સ્વાગતથી ભાવુક થયેલી રાધા યાદવે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘એક મહિલા ક્રિકેટર માટે આટલી મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે આવી પહોંચશે તે ક્યારેય વિચાર્યું ન હતું. આ ક્ષણ માત્ર મારા માટે જ નહીં, પરંતુ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઊંચાઈ સર કરવા ઈચ્છતી દરેક દીકરી માટે ગર્વની ક્ષણ છે. હવે મહિલા ખેલાડીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે વધુ રુચિ વધશે અને તેઓ ભારત દેશ માટે યોગદાન આપશે.’

વર્લ્ડ કપમાં મળેલી સફળતાનું કારણ જણાવતા તેણે કહ્યું કે, ‘અમારી ટીમે મેચ હાર્યા પછી પણ એકતા જાળવી રાખી, જે અંતે અમારી જીતનું મુખ્ય કારણ બની.’રાધા યાદવે આ સફળતાનો શ્રેય પોતાના કોચને આપ્યો હતો અને વડાપ્રધાન સાથેની મુલાકાતને યાદગાર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ‘આ સફળતાનો સાચો શ્રેય મારા કોચ સુરજ તિવારીને જાય છે.’ આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ સાથે મુલાકાત કરી તે ક્ષણને ગૌરવની ક્ષણ ગણાવી હતી.
તેમણે મિલિંદ કાકા દ્વારા આયોજિત રોડ શો અને સપોર્ટ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેર વિશે બોલતાં રાધા યાદવે કહ્યું કે, ‘અહીંનું વાતાવરણ અને લોકો ખૂબ શાંત છે, તેથી મને અહીં રહેવું ખૂબ ગમે છે.’

