વલસાડ જિલ્લાના પારડી તાલુકાની 14 વર્ષીય કિશોરી એક મહિનાથી બીમાર રહેતી હતી. દવાથી સાજી ન થતાં તેના માતા-પિતા તેને કપરાડા તાલુકાના આસલોણા ગામે રહેતા શંકરભાઈ તડવી નામના આદિવાસી ભૂવા પાસે લઈ ગયા હતા. ભગત તરીકે ઓળખાતા આ ભૂવાએ સારવાર અને પ્રાર્થના કરવાના બહાને વાલીઓને વિશ્વાસમાં લીધા અને કિશોરીને ત્રણ દિવસ માટે પોતાની પાસે મૂકી જવા જણાવ્યું હતું. કિશોરીના માતા-પિતાએ ભૂવા પર વિશ્વાસ રાખીને દીકરીને ત્યાં મૂકી પોતાના ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન લંપટ ભૂવા શંકરભાઈ તડવીની દાનત બગડી હતી. તેણે કિશોરીને ગામમાં આવેલા ડુંગર પર લઈ જઈ સારવારના નામે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

કિશોરીએ ઘરે જઈ માતા-પિતાને આ અંગેની જાણ કરતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. માતાએ તાત્કાલિક કપરાડા પોલીસ મથકમાં લંપટ ભૂવા શંકરભાઈ તડવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કપરાડા પોલીસે હવસખોર ભગત શંકર તડવીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બીમારી દૂર કરવાના બહાને ભૂવાએ આચરેલા આ દુષ્કર્મથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ડોક્ટર પાસે સારવાર કરાવવી હિતાવહ
ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં હજુ પણ કેટલાક લોકો બીમારી કે રોગ મટાડવા માટે ભૂવા, તાંત્રિક કે આવા લંપટ ભગત પાસે જાય છે અને પછી તેમને પસ્તાવાનો વારો આવે છે. કેટલાક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, જ્યારે કેટલાક કિસ્સા સમાજમાં આબરૂ જવાની બીકે જાહેર થતા નથી. નિષ્ણાતોનું કહેવું છે કે બીમારીના કિસ્સામાં ડોક્ટર પાસે સારવાર કરાવવી જ હિતાવહ છે.

