વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમે નાનાપોંઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જતી એક હ્યુન્ડાઈ ક્રેટા કારને ઝડપી પાડી છે. પોલીસે આ કારમાંથી ₹૪.૭૮ લાખનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹૯.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

LCB ને મળેલી બાતમીના આધારે, કપરાડા તાલુકાના વાંધી ગામની સરકારી સ્કૂલ પાસે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે GJ-03-JC-6668 નંબરની કાળા કલરની હ્યુન્ડાઈ ક્રેટા કારને આંતરી હતી.
કારની પાછળની સીટ અને ડીકીમાંથી ખાખી પૂંઠાના બોક્સમાં છુપાવેલો ભારતીય બનાવટની વ્હિસ્કી અને વોડકાની ૧૯૨૬ બોટલો (૪૦૪.૮૨૦ લીટર) મળી આવી, જેની કિંમત ₹૪,૭૮,૭૦૪/- થાય છે.
કાર (₹૫ લાખ) અને મોબાઈલ ફોન (₹૫ હજાર) સાથે કુલ ₹૯,૮૩,૭૦૪/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે કારના ક્લીનર આરોપી સોહેલ સલીમ તાજમોહમદ સિંધી (ઉ.વ. ૩૫, રહે. મોટી વહિયાળ, કપરાડા) ને પકડી પાડ્યો છે.
આ ઉપરાંત, કારનો ચાલક નરેશભાઈ, દારૂ ભરાવનાર અને પાયલોટિંગ કરનાર મહેશ ઉર્ફે સાજન બતક પટેલ, ઉમેશ ઉર્ફે ઉમેશ ડોરી સહિત કુલ ૫ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. LCB એ પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

