વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે વાપીના ચલા વિસ્તારમાં આવેલા ગોલ્ડ કોઈન સર્કલ પાસેથી આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.

મળેલી વિગત મુજબ, વલસાડ LCBની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનના દારૂબંધીના ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રમોદ દોમુ કંચન સાહની (ઉ.વ. ૩૨, મૂળ બિહાર, હાલ રહે. દમણ) વાપી વિસ્તારમાં છે. બાતમીવાળા સ્થળે વોચ ગોઠવી પોલીસે આરોપીને ગોલ્ડ કોઈન સર્કલ નજીકથી પકડી પાડ્યો હતો. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, તેનો કબજો વધુ તપાસ અર્થે પારડી પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.

