વલ્લભીપુરથી રંગોળી ફાટક સુધીના રોડની લાંબા સમયથી તદ્રન બિસ્માર હાલત હોય ગ્રામજનો તોબા પોકારી ગયા છે. ખખડધજ હાલતના આ રોડની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી હોય વાહનચાલકોમાં તંત્રવાહકો પ્રત્યે સખ્ત નારાજગી જન્મી છે.

ભાવનગર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વલ્લભીપુરથી રંગોલી ફાટક સુધીના નવા રોડની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. આ કામગીરી નિયત ટેન્ડર પ્રક્રિયા મુજબ થતી ન હોય તેવી ગ્રામજનોમાં રાવ ઉઠવા પામેલ છે.રાજકીય ઈચ્છા શકિતનો અભાવ હોય તેમ વલ્લભીપુરથી ભાવનગરના રોડ પર અમુક અમુક અંતરે કામ અધૂરા મુકીને અન્ય જગ્યાએ રોડ બનાવાતા હોય તેવુ લોકોએ આક્રોશભેર જણાવ્યુ હતુ. ઘાંઘળી પાસેના ચમારડીના રોડની ભયંકર હાલત થવા પામેલ છે. જેથી રહિશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ ગંભીર બાબતે જાગૃત નાગરીકો દ્વારા અવારનવાર ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક જાણ કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા દુર્લક્ષ સેવાઈ રહ્યુ હોય કચવાટ વ્યાપેલ છે. સત્તાધીશો દ્વારા તાત્કાલીક યુધ્ધના ધોરણે રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે.

