વાગરા તાલુકાની મુલેર ચોકડી નજીક સ્કોર્પિયો કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. સામસામે અથડાયેલા વાહનોમાં ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક ચાલક સુરેશ રવજી જાદવને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, મુલેર ચોકડી પાસે સ્કોર્પિયો કાર અને બાઇક અચાનક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કરને પગલે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. અકસ્માતને પગલે મૃતકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. વાગરા પોલીસે સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતના ચોક્કસ કારણો જાણવા કાયદેસરની તપાસ તેજ કરી છે.
