આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વાગરાના સ્વામિનારાયણ હોલ ખાતે ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભરૂચ લોકસભાના ઈન્ચાર્જ યાકુબ ગુરજી અને જિલ્લાના આગેવાન એડવોકેટ કમલેશ મઢીવાલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

આ સભામાં કમલેશ મઢીવાલાએ ભરૂચ જિલ્લા સહકારી બેંકમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને ભાજપ હિન્દુત્વના નામે નકલી નારાબાજી કરે છે તેવો દાવો કર્યો હતો. યાકુબ ગુરજીએ આદિવાસી યોજનાઓમાં થયેલા ભ્રષ્ટાચારની વાત કરીને ચૈતર વસાવાને રાજકીય બદલો લઈને જેલમાં નાખ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પ્રસંગે, કોંગ્રેસના તાલુકા ઉપપ્રમુખ ઉસ્માનભાઈ ઉમરજી પટેલ સહિત 32 કોંગ્રેસી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત, કોંગ્રેસ અને ભાજપના અન્ય આગેવાનો સહિત કુલ 49 કાર્યકરો અને યુવાનોએ પણ પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો.

AAPના આગેવાનોએ આગામી દિવસોમાં વધુ કોંગ્રેસી કાર્યકરો જોડાવાનો સંકેત આપ્યો, જેનાથી જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો ઊભા થશે.

