વાગરામાં ચોર ટોળકીનો તરખાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ચોરીનો આ બીજો બનાવ સામે આવ્યો છે. જેમાં ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ એક મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી છે. આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. ચોરીની આ ઘટના મોડી રાત્રે બની હોવાનું મનાય છે. તસ્કરોએ ચાલાકી પૂર્વક દુકાનની પાછળની બાજુએ આવેલી ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદર પ્રવેશતા જ તેઓએ દુકાનમાં રહેલા મોબાઈલ ફોન, ઈયરફોન અને અન્ય એસેસરીઝની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. સવારે દુકાન માલિકને ચોરીનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી દુકાન માલિક પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અને તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. ચોરાયેલ માલનો ચોક્કસ અંદાજ લગાવવાની કામગીરી પણ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પણ આજ લાઈનમાં આવેલી બે થી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો હતો. તે પૈકી એક ચિકન સેન્ટરમાંથી અંદાજે ૨૫,૦૦૦ રૂપિયાની મત્તા ચોરાઈ હતી. સતત બે દિવસથી બની રહેલી આ ચોરીની ઘટનાઓએ વેપારીઓમાં ભય ફેલાવ્યો છે. હાલ વાગરા પોલીસ માટે આ એક પડકારરૂપ સ્થિતિ છે. જેમાં તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે. સ્થાનિકોએ પણ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગની માંગ કરી છે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

