આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ સામે પક્ષના ૪૦ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોરચો માંડ્યો છે. આ જૂથે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સમક્ષ રજૂઆત કરી છે કે જો વર્તમાન પ્રમુખને બદલવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રાજીનામા આપશે.

નારાજ કાર્યકર્તાઓનું કહેવું છે કે વાગરાના પ્રમુખ આસિફ પટેલ કોઈને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે નિર્ણયો લે છે, જેના કારણે પક્ષને આગામી ચૂંટણીઓમાં નુકસાન થઈ શકે છે. આ રજૂઆત કરનારાઓમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અક્ષયસિંહ રાજ, વાગરા તાલુકાના ઉપપ્રમુખ અસલમ રાજ અને મગનભાઈ વસાવા સહિત અનેક મહત્ત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.
આક્ષેપો સામે વર્તમાન પ્રમુખ આસિફ પટેલે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે કદાચ કોઈ કાર્યકર્તાઓને મનદુઃખ થયું હશે, પરંતુ તેમનો હંમેશા સૌને સાથે લઈને ચાલવાનો પ્રયાસ રહ્યો છે. તેમણે જણાવ્યું કે રજૂઆત કરનારા બધા તેમના ભાઈઓ છે અને પક્ષ જે પણ નિર્ણય લેશે તે તેમને સ્વીકાર્ય રહેશે.
એક તરફ ૪૦ જેટલા કાર્યકર્તાઓની રાજીનામાની ચીમકી અને બીજી તરફ પ્રમુખનું સમાધાનકારી વલણ છે. આ પરિસ્થિતિ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા માટે એક કસોટી સમાન છે. આંતરિક કલહનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી બન્યો છે, કારણ કે આ નિર્ણયની સીધી અસર કોંગ્રેસના વાગરા તાલુકાના રાજકીય ભવિષ્ય અને ચૂંટણી પરિણામો પર પડશે. આ મુદ્દે હવે જિલ્લા પ્રમુખ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

