વાગરા તાલુકામાં સમાજ સેવા અને સ્વાસ્થ્ય જાગૃતિના હેતુથી કાર્યરત એસ આર ફાઉન્ડેશન દ્વારા તારીખ ૦૮ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ જણીયાદરા અને પખાજણ ગામમાં પ્રાથમિક આરોગ્ય તપાસ અને સારવારનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એસ,આર,એફ ફાઉન્ડેશન છેલ્લા બે વર્ષથી તેની સ્વાસ્થ્ય સેવા વાન થકી SRF કંપનીની આસપાસના ૧૫ ગામોમાં વિના મૂલ્યે પ્રાથમિક સારવાર પૂરી પાડી રહી છે. આ મોબાઈલ સ્વાસ્થ્ય સેવા ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, ખાસ કરીને જ્યાં તબીબી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ નથી. કાર્યક્રમ દરમિયાન સેવા વાન મારફતે ગ્રામજનોને મફતમાં પ્રાથમિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આરોગ્ય તપાસ અંતર્ગત મહત્વપૂર્ણ માપદંડો જેવા કે બ્લડ પ્રેશર, બ્લડ સુગર, હિમોગ્લોબિન અને વજનની તપાસ વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી. ફાઉન્ડેશન નિયમિતપણે સ્વાસ્થ્ય સારવારની સાથે સાથે સ્વાસ્થ્ય જાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરીને નિરોગી જીવનશૈલી માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

આ સમગ્ર આરોગ્ય સેવા કાર્યક્રમમાં એસ આર ફાઉન્ડેશન તરફથી નિશાબેન જુનેજા અને જીગ્નેશભાઈ ખિસ્ત્રી સક્રિય રીતે જોડાયા હતા. આ સેવાઓનું માર્ગદર્શન આરોગ્ય વિભાગમાંથી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રવીણ સિંગ દ્વારા પણ મળી રહ્યું છે, જેના કારણે આ કાર્યક્રમ વધુ અસરકારક બની રહ્યો છે. એસ,આર,એફ ફાઉન્ડેશન દ્વારા નિરંતર ચલાવવામાં આવતી આ સ્વાસ્થ્ય સેવા વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની જાળવણી અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ યોગદાન સાબિત થઈ રહી છે.
રિપોર્ટર :સૈફ અલી ભટ્ટી વાગરા

