વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વાપી ટાઉન વિસ્તારમાં નશીલા પદાર્થોના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક કરી અત્યંત કિંમતી ‘હાઇબ્રિડ ગાંજા’ના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. મચ્છી માર્કેટ પાછળ આવેલા સમર્થ પાર્ક બિલ્ડિંગમાં દરોડો પાડી પોલીસે લાખોની કિંમતનો માદક પદાર્થ, રોકડ અને વાહન મળી કુલ ₹34,03,500/-નો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત મુજબ, SOGની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપીના સમર્થ પાર્ક બિલ્ડિંગના ફ્લેટ નંબર G-2 માં દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી આરોપી સંતોષ પ્રકાશ કનોજીયા અને દિપેન મનોજ પરીહાર પાસેથી 0.871 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹30,48,500/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે ₹1.35 લાખની રોકડ, ₹1.70 લાખના 3 મોંઘા મોબાઈલ ફોન, ₹50 હજારની કિંમતનું એક્સેસ મોપેડ અને ગાંજો વેચવા માટે રાખેલી 67 પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓ કબજે કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી સંતોષ કનોજીયા મૂળ ઉત્તરપ્રદેશ અને દિપેન પરીહાર રાજસ્થાનનો વતની છે. આ હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વાપીમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

