વાપી ટાઉન પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂના મોટા જથ્થા સાથેની એક પીકઅપ ગાડી ઝડપી પાડી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ, દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરીને એક સફેદ કલરની બંધ બોડીની પીકઅપ (નંબર MH-48-DC-5159) મુંબઈથી અમદાવાદ તરફ જવાની હતી. આ બાતમીના આધારે પોલીસે મોરાઈ ફાટક પાસે નાકાબંધી કરી હતી.

પોલીસને જોઈ પીકઅપનો ચાલક ગાડી હાઈવે પર જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલી ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના 50 બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 2400 નંગ નાની બાટલીઓ (432 લીટર) કિંમત ₹4,42,848/- નો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે ₹4 લાખની પીકઅપ ગાડી અને દારૂ મળી કુલ ₹8,42,848/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. વાપી ટાઉન પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
