વાલિયા તાલુકાના વટારીયા ગામની જૂની સુગર કોલોનીમાં તસ્કરોએ ખાખીનો ખોફ ગુમાવી એક જ રાત્રિમાં ચાર બંધ મકાનોને નિશાન બનાવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરોએ એક મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ ₹1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.

વિગત મુજબ, કોલોનીમાં રહેતા વિજયસિંહ દગા સિસોદીયા પોતાના મકાનને તાળું મારી વાલિયા ખાતે ભાઈના ઘરે ગયા હતા. આ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી ₹20 હજાર રોકડા તથા કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી.
તસ્કરોનો તરખાટ એટલો હતો કે તેમણે આસપાસના અન્ય ત્રણ બંધ મકાનોના પણ તાળા તોડ્યા હતા, જોકે ત્યાંથી કોઈ મોટી રકમ હાથ ન લાગતા તસ્કરો વિજયસિંહના ઘરેથી હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા વાલિયા પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સતત વધતી ચોરીની ઘટનાઓને પગલે કોલોનીના રહીશોએ પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી છે.

