વાલિયા પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને સોલાર પ્લાન્ટોમાંથી કિંમતી કોપર વાયરની ચોરી કરનારી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે દિલીપ ઉર્ફે નિલેશ વસાવા અને તેના મિત્રો તુષાર વસાવા તથા સતિષ ઉર્ફે સતલો વસાવાએ સોલાર કેબલની ચોરી કરીને વાયર સંતાડ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ત્રણેય ઇસમોને ઝડપી પાડ્યા હતા અને યુક્તિપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી.

ઊંડાણપૂર્વક પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓ ભાંગી પડ્યા હતા અને વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા કેબલ ચોરીના બે ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં દિલીપ ઉર્ફે નિલેશ ગોવિંદભાઈ વસાવા, તુષારકુમાર મુકેશભાઈ વસાવા અને સતિષ ઉર્ફે સતલો શાંતિલાલ વસાવા (ત્રણેય રહે. વાલિયા તાલુકાના વિવિધ ગામો) નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કોપર વાયરનો જથ્થો (કુલ ૫૬ કિ.ગ્રા.), અને ચોરીમાં ઉપયોગ કરાયેલી બે સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ સહિત કુલ ₹૧,૫૨,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત, આ ચોરીના ગુનામાં સંડોવાયેલા સુજીતભાઈ વસાવા અને સંતોષભાઈ વસાવા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

