વાલીયા પોલીસે સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલા કોપર વાયરનો જથ્થો વેચાણ કરવા લઈ જતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વાલીયા-ભુજીયાવડ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની ઇક્કો ગાડી (નં. GJ-16-DS-2240) આવતા તેને રોકી તલાશી લેવામાં આવી. ગાડીમાંથી બે થેલામાં ભરેલો 45 કિલોગ્રામ કોપર વાયરનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત ₹31,500 અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, ₹2,50,000ની ઇક્કો ગાડી પણ જપ્ત કરવામાં આવી છે.
પોલીસે ઘટનાસ્થળેથી રોહન વસાવા, રાજીવ વસાવા, આશિષ વસાવા અને નિમેશ વસાવા નામના ચાર શખ્સોને ઝડપી પાડ્યા. પૂછપરછ દરમિયાન તેઓએ સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વાલીયા પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

