વાવ-થરાદ પંથકમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વધુ બે ખેડૂત સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. થરાદના વડગામડા ગામના રહેવાસી વાઘાભાઈ રમેશભાઈ ચૌધરીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી અજાણ્યા શખ્સે ગેરકાયદે રીતે નાણાં ઉપાડી લેતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. બીજી તરફ અન્ય એક પ્રજાપતિ ખેડૂતના 10 હજાર રૂપિયા બેન્કમાંથી કપાઈ ગયા હતા જેનો મેસેજ પણ આવ્યો ન હતો.
ફરિયાદી વાઘાભાઈ ચૌધરી ગત તારીખ 29/03/2026ના રોજ બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા, ત્યારે અચાનક તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે તેમના SBI બેંક ખાતામાંથી રૂ.8500/- કપાઈ ગયા છે. વાઘાભાઈએ કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કર્યો ન હોવા છતાં ખાતામાંથી રકમ કપાઈ જતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.

તાત્કાલિક તેમણે બેન્કનો સંર્પક કર્યો હતો પણ રવિવારની રજા હોવાથી બેંક બંધ હતી, જેથી આજે તારીખ 30/03/2026ના રોજ બેંક મેનેજરનો સંપર્ક સાધતા તેઓને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા જણાવાયું હતું. જે અન્વયે ભોગ બનનાર ખેડૂતે સ્ટેટ સાયબર સેલ CID ક્રાઈમ ગાંધીનગર ખાતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે.’
બીજી તરફ એક પ્રજાપતિ ખેડૂત પણ સાઈબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે કહ્યું છે કે જ્યારે SBIની YONO એપમાં ચેક કર્યું ત્યારે તેમને 10 હજારની રકમ કપાઈ હોવાની ખબર પડી. તેમને આ અંગેનો કોઈ મેસેજ આવ્યો ન હતો. દાવા મુજબ તેમના એકલાના નહીં પણ આ વિસ્તારના આશરે 100 જેટલા લોકોના ખાતામાંથી આ રીતે પૈસા ઉપડી ગયા છે. જ્યારે તેઓએ બેંકમાં તપાસ કરી, ત્યારે બેંક અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે અને ઘણા લોકો તેના શિકાર બન્યા છે.
