GCERT ગાંધીનગર પ્રેરિત ઝઘડિયા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૫ પાણેથા કુમાર અને કન્યા પ્રાથમિક શાળા ખાતે સફળતાપૂર્વક યોજાયું હતું. ડાયેટના લાયઝન અધિકારી ધર્મેન્દ્રભાઈ વસાવા, બી.આર.સી. કો-ઓર્ડીનેટર રાજીવભાઈ પટેલ અને સી.આર.સી. કો-ઓર્ડીનેટર દિલીપસિંહ ધરિયા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

ભરૂચથી આવેલી ૧૦ બહેનોની નિર્ણાયક ટીમે તમામ કૃતિઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કર્યું હતું. આચાર્યો અને શિક્ષકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રદર્શનના પાંચ વિભાગોમાં વિજેતા શાળાઓની જાહેરાત કરવામાં આવી હતી. વિભાગ-૧ (ટકાઉ ખેતી)માં પ્રાથમિક શાળા ટોઠીદરા અને વિભાગ-૨ (કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો)માં પ્રાથમિક શાળા બોરજાય પ્રથમ રહી હતી. વિભાગ-૩ (હરિત ઉર્જા)માં પ્રાથમિક શાળા ખરચી વિજેતા બની હતી. નોંધનીય છે કે, પ્રાથમિક શાળા મોર તલાવની કૃતિઓએ વિભાગ-૪ (વિકસિત નવીન ટેકનોલોજી) અને વિભાગ-૫ (આરોગ્ય અને સ્વચ્છતા) એમ બે વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.
