GUJARAT : વિદ્યાર્થીઓમાં આગ અંગે જાગૃતતા માટે ભોરાસર સીમ શાળામાં મોકડ્રિલ યોજાઈ

0
33
meetarticle

લોકોમાં આગ સુરક્ષા અંગે જાગૃતતા વધે તેમજ વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે યોગ્ય સમજ કેળવાય તે હેતુસર વિવિધ શાસકીય કચેરીઓ તથા સંસ્થાઓ દ્વારા આગ નિવારણ અંગે મોકડ્રિલ યોજવામાં આવે છે. આ જાગૃતિના ભાગરૂપે આજ રોજ શુક્રવાર તા.૦૯-૦૧-૨૦૨૬ ના રોજ શ્રી ભોરાસર સીમ શાળા, રાણાવાવ ખાતે આગ નિવારણ અંગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ મોકડ્રિલ દરમિયાન એસ.એમ. એન્ટરપ્રાઈઝ, પોરબંદરના મહેશ ગઢવી દ્વારા વિદ્યાર્થીઓને આગના વિવિધ પ્રકારો વિશે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને ABC પ્રકારની ડ્રાય પાવડર ફાયર બોટલ તથા CO₂ ગેસ ભરેલ ફાયર બોટલના ઉપયોગ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.
શાળા પરિસરમાં કે અન્ય કોઈપણ સ્થળે આગ લાગવાના બનાવ સમયે પરિસ્થિતિને તાત્કાલિક કાબૂમાં લેવા અગ્નિશામક બોટલનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેમજ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો તરત જ ફાયર બ્રિગેડને ૧૦૧ નંબર પર જાણ કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ફાયર બ્રિગેડ વિભાગને ફોન દ્વારા જાણ કર્યા બાદ તેઓ કેવી રીતે કામગીરી કરે છે તેનું પ્રાયોગિક દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો લાભ ભોરાસર સીમ શાળાના તમામ સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ લીધો હતો. આ તકે શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ રામદેભાઈ ઓડેદરા તથા આચાર્ય લાખાભાઈ સુડાવદરાએ કાર્યક્રમ માટે એસ.એમ. એન્ટરપ્રાઈઝ, પોરબંદરના મહેશ ગઢવીનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here