વિશ્વ સંભારણા દિવસ” નિમિત્તે માર્ગ અકસ્માતમાં પોતાના પ્રાણ ગુમાવનાર લોકોની યાદમાં પોરબંદર ખાતે આર.ટી. ઓ., ટ્રાફિક પોલીસ વિભાગ અને એસ.ટી. પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ એસ.ટી. ડેપો, પોરબંદર ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

આજે રવિવાર, તા. ૧૬/૧૧/૨૦૨૫ ના રોજ મનાવવામાં આવેલા World Day of Remembrance – 2025 અંતર્ગત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તમામ અધિકારીઓ અને ઉપસ્થિત લોકો દ્વારા મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને રોડ સેફ્ટી શપથ લેવડાવવામાં આવી હતી.
સેમિનારમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની મહત્વપૂર્ણ જરૂરિયાત અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. સરકારશ્રીની “રાહ-વીર યોજના” હેઠળ માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડનાર પરોપકારી નાગરિકોને “રાહ-વીર” તરીકે સન્માનિત કરવાની અને યોજનામાં મળતા રોકડ ઇનામ વિશે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિના પેમ્ફ્લેટનું વિતરણ કરાયું હતું અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે જનજાગૃતિ વધારવાની અપીલ પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર એમ.એલ. આહિર, આર.ટી.ઓ. આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર પી.જી. કુરકુટીયા, એસ.ટી. વિભાગ પોરબંદરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગોડલીયા, મનસુખભાઈ વ્યાસ તથા એસ.ટી. સ્ટાફ, રીક્ષા અને ટેક્સી ચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

