ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાન ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક કામદાર કાટમાળ નીચે દબાઈ જતાં સ્થળ પર દોડધામ મચી ગઈ હતી.

સ્થાનિકો દ્વારા જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળમાં ફસાયેલા કામદારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
ફાયર વિભાગની સમયસરની અને સચોટ કામગીરીના કારણે દબાયેલા કામદારનો જીવ બચી ગયો હતો. આ ઘટના અંગે પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

