ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકા દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકમેળા, ધોળકા તાલુકાના વૌઠા ગામે સપ્ત નદીના સંગમ સ્થળે અને ચકલેશ્વર મહાદેવના પ્રાંગણમાં આયોજિત વૌઠાના મેળામાં દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓને મળતા સરકારી લાભો અંગે જનજાગૃતિ માટે એક સફળ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયત, ધોળકા દ્વારા દિવ્યાંગજનોના લાભાર્થે વિના મૂલ્યે ફાળવવામાં આવેલા આ સ્ટોલમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી. સ્ટોલ પર દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ અને સહાયોની વિગતવાર માહિતી આપતા પેમ્ફલેટ અને બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
સંસ્થાના પ્રતિનિધિ ભાવિન પરમાર દ્વારા જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને જરૂરી ફોર્મ્સની જોગવાઈ સાથે લાભો વિશે વિસ્તૃત અને વ્યક્તિગત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
ફ્રીડમ ડે કેર સેન્ટરના આ જનજાગૃતિ સ્ટોલની મુલાકાત ધોળકાના અગ્રણી અધિકારીઓ દ્વારા લેવામાં આવી હતી, જેમાં ધોળકા મામલતદાર સાહેબ શ્રી સિદ્ધરાજસિંહ સોલંકી, ધોળકા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહિપતસિંહ ચૌહાણ, વિસ્તરણ અધિકારીશ્રી વરુણભાઈ સોલંકી, અને ભરતભાઈ સોલંકી સહિત તેમની ટીમે તથા ધોળકા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રીનાબેન ત્રિવેદી, કાઉન્સીલર ભારતીબેન રાવલ,પૂર્વ કાઉન્સીલર કમલભાઈ રાવલ, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી,સુરેશભાઈ ગોહિલ મુલાકાત લીધી હતી અને સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું.

વૌઠા ગ્રામ પંચાયત દ્વારા મેળામાં ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે આ જનજાગૃતિ કાર્ય સરળતાથી સંપન્ન થઈ શક્યું.
ફ્રીડમ ડે કેર સેન્ટર દ્વારા ઉપરોક્ત ધોળકા તાલુકા પંચાયત અને વૌઠા ગ્રામ પંચાયતનો સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રયાસથી દિવ્યાંગજનોના હક્કો અને લાભોની જાણકારી સીધા જ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં સંસ્થાને સફળતા મળી છે.

