વલસાડ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત ૫૨માં યુવા મહોત્સવમાં ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના તેજસ્વી વિદ્યાર્થી દેવ આર. શુક્લાએ શાસ્ત્રીય ગાયન (Classical Vocal) સ્પર્ધામાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજ અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

યુનિવર્સિટી સંલગ્ન દક્ષિણ ગુજરાતની નામાંકિત કોલેજોના અનેક સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેવ શુક્લાએ પોતાની રાગદારી અને ગાયકીના કૌશલ્યથી નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા. શાસ્ત્રીય સંગીતના ઊંડાણ અને આત્મવિશ્વાસપૂર્ણ પ્રદર્શનના જોરે તેમણે પ્રથમ ઇનામ પોતાના નામે કર્યું હતું.
દેવ આર. શુક્લા પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગુરુ શ્રી સુકેતુ ઠાકોરના શિષ્ય છે. તેમની આ સફળતા પાછળ ગુરુના સચોટ માર્ગદર્શન અને દેવની વર્ષોની સખત રિયાઝ તથા સમર્પિત સાધના જવાબદાર છે. આ સિદ્ધિથી ભરૂચની સંગીત પરંપરાનું નામ પણ સમગ્ર સાઉથ ગુજરાતમાં ગુંજતું થયું છે.
નર્મદા કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો અને સ્ટાફગણે દેવ શુક્લાની આ વિશિષ્ટ ઉપલબ્ધિને બિરદાવી તેને અભિનંદન પાઠવ્યા છે. કોલેજ મેનેજમેન્ટે પણ દેવ અને તેના ગુરુને શુભેચ્છા પાઠવી, દેવ આગામી સમયમાં રાષ્ટ્રીય ફલક પર ઝળકે તેવી આશા વ્યક્ત કરી છે.

