વિજયાદશમી ઉત્સવ એટલે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિજયા દશમી એટલે સંઘનો સ્થાપના દિવસ. આ વિજયાદશમી ઉત્સવથી સંઘ શતાબ્દી વર્ષનો પ્રારંભ થયો છે. “ભારત માતા કી જય” કરવા માટે સમગ્ર સમાજ સમર્થ બને અને તે માટે અનુશાસિત અને સમર્પિત કાર્યકર્તાઓ નિર્માણ કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિરંતર કાર્યરત છે. આ કાર્યને બળ, ઉત્સાહ અને સમગ્ર સમાજનો સક્રિય સહયોગ મળે તે માટે વિજયાદશમી ઉત્સવનું વિરમગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ પર પથ સંચલનનુ વિવિધ સ્થાન પર આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત વિરમગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન યોજાયું હતું અને સ્વયંસેવકોએ ઉપસ્થિત રહીને નગરના મુખ્ય માર્ગો પર સંચલન કર્યું હતું.

પથ સંચલનના લીધે વિરમગામના શેઠ એમ જે હાઇસ્કૂલ, ગોલવાડ દરવાજા, વી પી રોડ, વાલીયા ચોક, બાધાવાડા, સુથાર ફળી, પટેલવાડી, પરકોટા, એપીએમસી, સેવા સદન સહીતના મુખ્ય માર્ગો પર રાષ્ટ્રવાદી વાતાવરણ સર્જાયું હતું. ઠેક ઠેકાણે નગરના પ્રબુદ્ધ નગરજનો દ્વારા પુષ્પ વૃષ્ટિ કરી ને પથ સંચલનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ, એક લય, એક તાલ સાથે નિકળેલ પથ સંચલન નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વિરમગામ શેઠ એમ જે હાઇસ્કૂલ ખાતે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે જાહેર કાર્યક્રમ યોજાયો હતો અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સંઘ શતાબ્દી વર્ષ પ્રારંભ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા દંડના પ્રયોગો, દંડયોગ, વ્યાયામયોગ, ચલ સમતાના પ્રયોગો, આસનો સહિતના પ્રખ્યાત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સાહિત્યકાર પ્રફુલભાઈ રાવલ અને વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ જિલ્લા કાર્યવાહ મિલનભાઈ ભાવસારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં સ્વયંસેવકો ઉપરાંત સાધુ સંતો, આમંત્રિત મહેમાનો, પરિવારજનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ સાહિત્યકાર પ્રફુલભાઈ રાવલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ થયા છે. અહીં ઉપસ્થિત આપણે સૌ સદભાગી છીએ કે 100 વર્ષ નિમિત્તે આયોજિત વિજયાદશમી ઉત્સવમાં ઉપસ્થિતિ છે. ભારતમાં અનેક સંસ્થાઓના 100 વર્ષ પૂર્ણ થયા છે પરંતુ આટલી સક્રિય એક જ સંસ્થા છે અને તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે.
મુખ્ય વક્તા વિરમગામ જિલ્લા કાર્યવાહ મિલનભાઈ ભાવસારે જણાવ્યું હતું કે, સંઘ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે કાર્ય કરશે. આ પંચ પરિવર્તનના બિંદુઓ કુટુમ્બ પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વદેશી ભાવ જાગરણ, પર્યાવરણ સંરક્ષણ, નાગરિક કર્તવ્ય છે. આગામી સમયમાં સંઘ શતાબ્દી વર્ષ ઉજવણીના ભાગરૂપે હિન્દુ ઘર સંપર્ક, હિન્દુ સંમેલન, સદ્દભાવ બેઠક અને પ્રબુદ્ધ જન્ગોષ્ઠિનું આયોજન કરવામાં આવશે.
REPORTER : વંદના નીલકંઠ વાસુકિયા ,વિરમગામ

