ભારતીય એકતા અને અખંડતાના પર્યાય એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સંતરામપુર ખાતે “એક ભારત, આત્મનિર્ભર ભારત” અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા “@૧૫૦ યુનિટી માર્ચ” એકતા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા હીરાપુર ઉન્નતિ માધ્યમિક શાળાથી સંતરામપુર આઝાદ મેદાન સુધી યોજાઈ હતી.આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “યુવા પેઢી દેશના વિકાસની સૌથી મોટી શક્તિ છે; સરદાર સાહેબના આદર્શો તેમને સાચો માર્ગ બતાવશે.” તેમ કહી અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર પટેલને યાદ કર્યા હતા.

આ પદયાત્રા દ્વારા સરદાર સાહેબના સિદ્ધાંતો અને રાષ્ટ્રભક્તિ જનજન સુધી પ્રસારિત થઈ રહ્યા છે. સહુએ અખંડ ભારત નિર્માણમાં સરદાર સાહેબના અનન્ય યોગદાનને પુનઃ તાદૃશ્ય થતું અનુભવ્યું હતું. આ યાત્રા સરદાર સાહેબે ચીંધેલા રાષ્ટ્રસેવાના રાજમાર્ગ પર અગ્રેસર બની અખંડ ભારતને અનન્ય ભારત બનાવવા માટે પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરવાની નિષ્ઠા વ્યક્ત કરીને સરદાર સાહેબને આપેલી ઉત્તમ અંજલિ બની રહી.આ એકતા યાત્રામાં મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લાના અગ્રણી દશરથસિંહ બારીયા, મુખ્ય વક્તાશ્રી નરેન્દ્રભાઈ સોની, ઇન્ચાર્જશ્રી પ્રકાશભાઈ કટારા, સંગઠન પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.

