બંગાળની ખાડીમાં સપ્તાહ પછી એટલે કે આઠ-દસ દિવસમાં વધુ એક લો પ્રેશર સર્જાવાની શક્યતા છે જેના પગલે ગુજરાતમાં ખાસ કરીને તા. 25થી તા. 28 દરમિયાન એટલે કે ત્રીજા નોરતાથી છઠ્ઠા નોરતા દરમિયાન વરસાદનું પૂર્વાનુમાન આજે જારી કરાયું છે. રાજકોટમાં આજે રાજ્યનું સર્વાધિક તાપમાન 35.8 સે. નોંધાયું હતું જેના પગલે બપોરે ભાદરવી તીવ્ર તડકાનો અનુભવ થયો હતો. જો કે સવારનુ તાપમાન 24 સે. આસપાસ રહેતા ઠંડક અનુભવાય છે.

આજે સુરત,વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જારી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં એકંદરે તડકો-છાંયડો રહ્યો છે જેના પગલે તાપમાન વધીને રાજકોટમાં રાજ્યનું સર્વાધિક 35.8 સે. તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં એકંદરે વરસાદનો વિરામ છે પરંતુ, હવામાં હજુ 50 ટકાથી વધારે ભેજ રહે છે. આમ તો બે દિવસ પહેલા ડીસા, ભૂજ સુધી ચોમાસાની વિદાય થયા બાદ બાકીના ગુજરાતના વધુ વિસ્તારોમાં આજે કે કાલ સુધીમાં ચોમાસુ વિદાય લે તેવા સંજોગો હતા પરંતુ, હવે વિદાયને ઉપરોક્ત સીસ્ટમથી બ્રેક લાગી શકે છે.

