અમદાવાદ ગ્રામ્યમાં ઉત્તરાયણના તહેવાર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અંગે મોટી સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ૭.૪૮ લાખની કિંમતની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.

એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે સાણંદ, નાની ગોલવાડના રહેવાસી ભીખાભાઈ શાંતીભાઈ રાણા અને તેમના પુત્ર રાજુભાઈ રાણા નળ સરોવર રોડ પર આવેલા ગોરજ ગ્રામ પંચાયત હસ્તકના રણમલગઢ ગામની સીમમાં અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસની ઓરડીઓમાં ચોરીછૂપીથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઉતારીને વેચાણ કરે છે. બાતમીના સ્થળે તપાસ કરતાં ૩૯ સીલબંધ બોક્સ મળી આવ્યા હતા.
જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ ૧૮૭૨ રીલ(રૂ.૭,૪૮,૮૦૦) જપ્ત કરી હતી. આ મામલે પોલીસે ભીખાભાઈ શાંતીલાલ રાણા, તેમના પુત્ર રાજુભાઈ ભીખાભાઈ રાણા અને અશોકભાઈ મુળજીભાઈ ઠાકોર (રહે. હાલ સાણંદ, મુળ રહે.કરકથલ ગામ તા.વિરમગામ) વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

