ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ઈ. 2022-23 માં 46./45 લાખ ટન, ગત વર્ષ ઈ. 2024- 25માં વધીને 52.50 લાખ ટન અને આ વર્ષે સત્તાવાર અંદાજ મૂજબ 66 લાખ ટનનું વિક્રમજનક પાક થયો છે અને આ સામે એટલી સ્થાનિક માંગ વધી નથી, લાવ લાવ થતું નથી, પૂરવઠો એક દિવસમાં બે-બે લાખ મણ એક રાજકોટ યાર્ડમાં ઠલવાય છે છતાં સિંગતેલના ભાવમાં આજે વધુ રૂ।. 30 સહિત ચાર દિવસમાં રૂ।. 120નો વધારો ઝીંકી દેતા ગૃહિણીઓને રસોઈ માટેનું તેલ પ્રતિ કિલો રૂ।. 8 મોંઘુ થયું છે.ગત બુધવારે જ ભાવ વધીને પ્રતિ 15 કિલો સિંગતેલ ડબ્બાના રૂ।. 2565- 2615 ના ભાવમાં ગુરૂવારે રૂ।. 20નો, શુક્રવારે રૂ।. 40નો, શનિવારે ફરી રૂ।. 20નો અને રવિવારની રજા બાદ આજે સોમવારે વધુ રૂ।. 30નો એમ ચાર દિવસમાં જ ડબ્બે રૂ।. 120નો વધારો કરી દેતા પ્રતિ કિલો તેલ 4 દિવસમાં જ 8 મોંઘુ થયું છે. વેપારી સૂત્રોએ જણાવ્યું કે દિવાળી પછી ભાવ ઓછા હતા પરંતુ, પછી વધારો થતો રહ્યો છે, વેચાણમાં મોટો ઉછાળો નથી, માંગ રાબેતામૂજબ છે. સિંગતેલ મોંઘુ થતા વેચાઉ ફરસાણ માટે હવે કપાસિયા તેલનો વપરાશ ફરી વધવા લાગ્યો છે.કારણ કે થોડા સમય પૂર્વે કપાસિયાની સાપેક્ષે સિંગતેલ માત્ર રૂ।. 50-100 મોંઘુ હતું તે હવે રૂ।. 485 મોંઘુ થયું છે.

આ ભાવ વધારો જો કે નાણાવાળા નેતાઓને નડતો નથી પરંતુ, આજે પણ લાખો લોકો સરકારી મફત અનાજ પર નિર્ભર છે તેમને પ્રતિ કિલોએ 4 દિવસમાં 8નો વધારો વધુ લાગે તે સ્વાભાવિક છે.બીજી તરફ, કપાસિયાના ભાવ એકંદરે સ્થિર રહે છે કે આંશિક વધારો થાય છે, જેમ કે ચાર દિવસમાં કપાસિયા તેમજ પામતેલમાં ડબ્બે રૂ।. 20નો વધારો થયો છે.સિંગતેલ એ ગુજરાતીઓનું સ્થાનિક તેલ છે જે દેશમાં સૌથી વધુ અહીં જ બને છે છતાં તે સૌથી મોંઘુ થઈ રહ્યું છે. સરકારે જાણે કે ગમે એટલા ભાવ લેવા તેલલોબીને પીળો પરવાનો આપી દીધો હોય તેવી સ્થિતિ છે.

