ગૌતમેશ્વર તળાવમાંથી મોટર પંપ રિપેરીંગના વાંકે પાણી લઈ શકાતું ન હોવાના કારણે સિહોરવાસીઓને છતે પાણીએ વલખા મારવા પડી રહ્યા છે.

સિહોરમાં પીવાનું પાણી પુરૂં પાડવા માટે નગરપાલિકા દ્વારા મહીપરીએજમાંથી ૧૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો લેવામાં આવે છે. જેનું માસિક ૧૨ લાખ અને વાર્ષિક રૂા.૧.૪૪ કરોડનું બિલ ચૂકવવામાં આવી રહ્યું છે. તેના બદલે ઘર આંગણે જ રહેલ ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરાઈ તો ન.પા.ને આર્થિક ભારણ ઓછું થઈ શકે તેમ છે. ઓણ સાલ ચોમાસાની સિઝનમાં ગૌતમેશ્વર તળાવ છથી સાત વખત છલકાયું છે. તેમ છતાં બે મોટર પંપ ખરાબ હોવાના કારણે પાણીનો જથ્થો ઉપાડી ટાંકામાં નાંખી શકાતો ન હોવાથી નાગરિકોને સાતથી આઠ દિવસે પીવાનું પાણી મળે છે. જો બન્ને મોટરના પંપ રિપેરીંગ કરી પેનલ બોર્ડ લગાવી શરૂ કરવામાં આવે તો પાણીની સમસ્યા હળવી થઈ શકે તેમ છે. આ બાબતે અપક્ષના કાઉન્સિલેર એમ.એન. લાલાણીએ ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી તાકીદે બન્ને મોટરના પંપોનું રિપેરીંગ કામ કરાવવાની માંગ કરી છે.

